(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
આસામમાં નાગરિક્તા સુધારા કાયદા વિરૂદ્ધના દેખાવો પૂરજોશમાં જારી છે. વિદ્યાર્થી સંગઠનો આસુ અને એજેવાયસીપી તેમજ પ્રદર્શનકર્તાઓએ પ્રતિજ્ઞા લીધી છે. કે જ્યાં સુધી આ વિવાદાસ્પદ કાયદાને પરત લાવામાં નહિં આવે ત્યાં સુધી દેખાવો જારી રાખવામાં આવશે. એમ એક અહેવાલમાં જાણાવવામાં આવ્યું હતું. આ કાયદા સામે વિપક્ષ કોંગ્રેસે રાજ્યમાં ૮૦૦ કિ. મી. લાંબી પદયાત્રા શરૂ કરી છે. જે આસામના પૂર્વ છેડા સાદિયાથી શરૂ થઈ રાજ્યના છેવાડાના પશ્ચિમ વિસ્તાર સુધી પહોંચશે. હાલ આ રેલી રાજ્યના શિવસાગર જિલ્લામાં ડેમોવ સુધી પહોંચી છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે.
જંગી રેલીને સંબોધતા આસુના મહાસચિવ લુરિનજ્યોતિ ગોગોઈએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની કઠપૂતળીઓ સરવાનંદા સોનોવાલ અને હેમંત વિશ્વ શર્મા અમારો ખોરાક પાણી બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. પણ અમે તેને ચલાવી લઈશું નહિં. આસામ માત્ર આસામના લોકો માટે છે. આસામની સંસ્કૃતિ, ભાષા અને ઓળખને મિંટાવવાનું કાવતરૂ રચવામાં આવ્યું છે. આ વિરોધમાં પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગ, માનસ રોબિન તેમજ થિયેટર કલાકાર પબિત્રા રાભા પણ સામેલ થયા છે. રાભાએ જણાવ્યું હતું કે જો આપણે સંગઠિત રહીશું તો આપણા વિરોધીઓનો પરાજ્યા થશે. કેટલાક ક્ષેત્રોમાં સમસ્યા છે પણ અમે એકબીજા સાથે છે. આસુના પ્રમુખ દિપંકા કુમાર નાથે જણાવ્યું હતું કે આ કાયદા વિરૂદ્ધ કોર્ટમાં અને શેરીઓમાં પ્રદર્શનો જારી રખાશે.