(એજન્સી) તા.૮
જલુકબારીમાં આવેલા ભૂપેન હઝારીકા મેમોરિયલ હોલ ખાતે નાગરિકતા સુધારા કાયદા વિરોધી રેલી આયોજિત કરવામાં આવી હતી. આ રેલીનું આયોજન ઓલ આસામ સ્ટુડન્ટ્‌સ યુનિયન(આસુ) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં કલાકાર સમુદાયના લોકો પણ જોડાઇ ગયા હતા. રેલીમાં જોડાયેલાં હજારો દેખાવકારોએ માેંઢે કાળા માસ્ક પહેર્યા હતા અને તેના માધ્યમથી સરકારના કાળા કાયદા નાગરિકતા સુધારા કાયદા નોંધાવ્યો હતો. આ દરમિયાન તેમણે રેલીના માધ્યમથી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે જો વર્તમાન સરકાર લોકોની લાગણીને પ્રાધાન્ય આપવામાં નથી માનતી તો અમે તેને ઉખાડી ફેંકવા તૈયાર છીએ. આ રેલીનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું છે કે જેના એક દિવસ પહેલાં ભાજપના કાર્યકરોએ ખાનપુરા મેદાન ખાતે સીએએના સમર્થનમાં રેલી આયોજિત કરી હતી. તમને જણાવી દઇએ કે નાગરિકતા કાયદા વિરોધી રેલીનું આયોજન જલુકબારીથી લઇને દિઘલીપુખુરીના ૧૪ કિમીના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આસુના મહાસચિવ લુરિયજ્યોતિ ગોગોઈએ કહ્યું હતું કે ભાજપ તેના કાર્યકરોના માધ્યમથી નાગરિકતા કાયદા સુધારાના સમર્થનમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરે છે જ્યારે અમે નાગરિકતા કાયદા સુધારાના વિરોધમાં લોકોના સમર્થનથી પોતાનો ઉગ્ર વિરોધ અને પોતાની તાકાત દર્શાવી રહ્યાં છીએ. આવી જ રીતે આસામના અન્ય વિસ્તારો અને શહેરોમાં દેખાવોનું આયોજન કરાયું હતું. વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય, આવા દેખાવો ચાલતાં રહેશે અને કલાકાર સમુદાયના લોકો પણ હવે આ રેલીઓમાં સામેલ થતાં અને જરાય ખચકાતા નથી. આસામના દિબ્રૂગઢમાં ભારે ઠંડી વચ્ચે વરસાદ પણ પડ્યો હતો પરંતુ દેખાવકારો ટસથી મસ થયા નહોતા. આ દેખાવોને મ્યુઝિશિયન પ્રશાંતા બોરડોલોઇએ પણ ટેકો જાહેર કર્યો હતો.