(એજન્સી) તા.૧પ
ભારે વરસાદ બાદ દેશના ઘણા ભાગોમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. આસામ, મેઘાલય, બિહાર અને ત્રિપુરામાં તેના કારણે લગભગ ૩૫ લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. જ્યારે નેપાળમાં પૂરથી ખૂવારી ફેલાઇ છે. આ દરમિયાન હવામાન વિભાગે આવનારા ૨૪ કલાકમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આશંકા દર્શાવી છે. ઉત્તર પૂર્વી રાજ્ય આસામમાં પૂરથી રવિવાર (૧૪ જુલાઇ ૨૦૧૯) સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ હતી. ધેમાજી અને બરપેટા જિલ્લામાંથી લગભગ ૪૧૯ ગામ પાણીમાં ડૂબી ગયા, જ્યારે આખા વિસ્તારમાં મૃતકોની સંખ્યા વધીને ૧૩ થઇ ગઇ છે.
કુદરતી હોનારતથી લગભગ ૨૮ જિલ્લાના લગભગ ૨૬.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. એએસડીએમએની રિપોર્ટ મુજબ, જોરહાટ, બારપેટા અને ધુબરી જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે.
રિપોર્ટ અનુસાર, ૨૮ જિલ્લામાં બારપેટા સૌથી વધારે પૂર પ્રભાવિત છે. જ્યાં ૭.૩૫ લાખ લોકો પર તેની અસર પડી છે. જ્યારે મોરીગામમાં ૩.૫ લાખ પ્રભાવિત થયા છે. જ્યારે ધુબરીમાં પ્રભાવિત લોકોની સંખ્યા ૩.૩૮ લાખ આસપાસ પહોંચી છે. જાણકારી અનુસાર, શનિવારે (૧૩ જુલાઇ ૨૦૧૯) સુધી પૂરથી કુલ ૩૩ જિલ્લામાંથી ૨૫ જિલ્લાના ૧૪.૦૬ લાખ લોકો પ્રભાવિત હતા.
એડિશનલ ચીફ સેક્રેટરી કુમાર સંજય કૃષ્ણે આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આસામામાં વધુ વરસાદ થઇ શકે છે. બ્રહ્મપુત્રનું જળસ્તર વધવાની આશંકા છે. રાજ્ય સરકાર આ સ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. ગત વર્ષે કેન્દ્રથી ૫૯૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. જિલ્લાઓ માટે ૫૫.૮૫ કરોડ રૂપિયા પહેલા જ જાહેર કરી ચૂક્યા છીએ.