નવી દિલ્હી,તા. ૧૪
દેશના કેટલાક ભાગોમાં પુરની સ્થિતી ફરી એકવાર ગંભીર બની ગઇ છે. આસામ, બિહાર, ઉતરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો પુરના સકંજામાં આવી ગયા છે.૫૦ લાખથી વધુ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નેપાળના તરાઇ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ થઇ રહ્યો છે. સાથે સાથે સીમાંચલ ક્ષેત્રમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના પરિણામસ્વરૂપે બિહારના કિશનગંજ, પુર્ણિયા, અરરિયા અને કટિહાર જેવા જિલ્લામાં પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં બિહાર-નેપાળ બોર્ડર પર ૭૨ કલાકથી સતત વરસાદ થઇ રહ્યો છે જેના લીધે લોકોની હાલત કફોડી બની ગઇ છે. આસામમાં પણ પુરની સ્થિતી હજુ ગંભીર બનેલી છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસથી જનજીવન ખોરવાઇ ગયુ છે. વિશ્વપ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કના પ્રાણીઓ પર સંકટ તોળાઇ રહ્યુ છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ત્રણ દશકમાં પ્રથમ વખત કાજીરંગા પાર્કને આવી ભયાનક સ્થિતીનો સામનો કરવો પડ્યો છે. બચાવ અને રાહત કામગીરી દરેક રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. બિહારમાં ૧૨ જિલ્લામાં હાલત કફોડી બની ગઇ છે. યુપીમાં પણ સંકટ છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. નેપાળમાં ભારે વરસાદની અસર પણ દેખાઇ છે. આસામના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૧ જિલ્લાઓમાં પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. બચાવ અને રાહત કામગીરી માટે ફરી એકવાર સેનાને બોલાવી લેવામાં આવી છે. રાજ્યમાં પુરના બીજા મોજાના લીધે પણ તંત્ર અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી. એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૨૪ લોકોના મોત થયા છે. આની સાથે જ આ વર્ષે પુર સંબંધિત બનાવોમાં કુલ મોતનો આંકડો વધીને ૧૦૯ ઉપર પહોંચી ગયો છે. પાટનગર ગુવાહાટીમાં આઠ લોકોના મોત થયા છે. ત્રણ જિલ્લામાં વધુ ૧૦ના મોત થયા છે. જેમાં કોકરાઝારમાં છ લોકોના મોત થયા છે. બોંગાઇગામમાં ત્રણના મોત થયા છે. વિશ્વનાથમાં એકનુ મોત થયુ છે. એરફોર્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. આઈએએફને સ્ટેન્ડ બાય ઉપર રખાય છે. આસામમાં નવેસરના પુરના કારણે ૨૧ જિલ્લામાં આશરે ૨૨.૫ લાખ લોકોને માઠી અસર થઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલની સાથે ફોન પર વાતચીત કરી છે. સોનોવાલે ડિબરુગઢ જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. વડાપ્રધાને પુરની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરીને બનતી તમામ સહાય કરવાની ખાતરી આપી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ ઉત્તર પૂર્વીય રાજ્યના ૨૧ જિલ્લાઓના ૭૮૧થી વધુ ગામમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોને અસર થઇ છે. બ્રહ્મપુત્ર નદીના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નવેસરથી પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. ૨૦ હજાર હેક્ટર પાક ભૂમિ પુરના પાણીમાં આવી ગઈ છે. હાલમાં ૩૯ રાહત કેમ્પોમાં ૧૪૦૦૦ જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે હેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૧૫ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. વડાપ્રધાને આસામમાં રાહત બચાવ કાર્ય માટે વધારાના ૨૫૦ કરોડની જાહેરાત કરી હતી.