અમદાવાદ,તા.૨૭
ગુજરાતભરના આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટરને લાયબ્રેરી, ઓફિસ-સ્ટેશનરી, અલાયદુ બિલ્ડીંગ, લેટેસ્ટ કોમ્પ્યુટર-ટેકનોલોજી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા દાદ માંગતી મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. ગુજરાત સ્ટેટ આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીયુટર્સ એસોસીએશન દ્વારા કરાયેલી આ અરજીમાં હાઇકોર્ટે રાજય સરકાર, રાજયના કાયદાસચિવ, અમદાવાદ જિલ્લા કલેકટર, હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સહિતના સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં મુકરર કરી છે. રાજયભરના આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સની મુશ્કેલીઓ અને હાલાકીનો મુદ્દો ઉઠાવતી ગુજરાત સ્ટેટ આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીયુટર્સ એસોસીએશન દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ મેહુલ મહેતાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજયની વિવિધ કોર્ટોમાં ફરજ બજાવતાં આસીસન્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સની વર્ગ-૨ની ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ છે અને સરકારપક્ષના કેસો ચલાવવામાં તેમની બહુ મહત્વની ભૂમિકા હોય છે પરંતુ વર્ષોથી આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સને બેસવા માટેની પૂરતી સુવિધા(સાનુકૂળ બેઠક વ્યવસ્થા), અલાયદી ઓફિસ, વીટનેસ રૂમ, પ્યુન-સ્ટેનોગ્રાફર સહિતનો સ્ટાફ,લેટેસ્ટ કોમ્પ્યુટર, કેમેરા સહિતની ટેકનોલોજી, કરન્ટ લો જર્નલ-રિપોર્ટસ, ઓફિસ સ્ટેશનરી, શૌચાલય સહિતની બુનિયાદી સુવિધાઓ જોઇએ તે પ્રકારે ઉપલબ્ધ જ નથી. રાજયના ઘણા જિલ્લા-તાલુકા કક્ષાએ તો આ સુવિધાઓ પૈકીની કેટલીય સુવિધાઓનો તો સંદતર અભાવ છે અને તેમછતાં હાલાકીભરી અને મુશ્કેલીભરી પરિસ્થિતિમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સ પોતાની ફરજો નિભાવવા મજબૂર બન્યા છે. ખુદ ગુજરાત હાઇકોર્ટના ૧૯૮૬ના આ અંગેના જીઆર તેમ જ સંબંધિત નિર્દેશો હોવાછતાં તેનું અસરકારક પાલન જોવા મળતું નથી. અરજદાર એસોસીએશન તરફથી એડવોકેટ મેહુલ એમ. મેહતાએ વિરમગામની કોર્ટનું ઉદાહરણ ટાંકી હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, તાજેતરમાં જ આવેલા ભારે વરસાદમાં કોર્ટ રેકર્ડ, દસ્તાવેજો સહિતના ખૂબ જ અગત્યના કાગળો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. વરસાદી પાણીમાં સમગ્ર કોર્ટ બિલ્ડીંગમાં પાણી ભરાઇ ગયા હતા અને હાલત કફોડી બની હતી. વિરમગામ તાલુકામાં પાંચ કોર્ટો છે. ફાસ્ટ ટ્રેક કોર્ટનીે બિલ્ડીંગની સામે ત્રણ નાના રૂમ છે. ૨૦૧૫માં નવુ બિલ્ડીંગ બન્યુ પરંતુ હજુ સુધી એપીપી-એજીપીને નવી ઓફિસ સુધ્ધાં ફાળવાઇ નથી. રાજયના અન્ય જિલ્લા અને તાલુકામાં પણ આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સને સુુવિધાના નામે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અરજદાર એસોસીએશન તરફથી અરજીમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સને તાત્કાલિક ઉપરોકત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, હાઇકોર્ટના સંબંધિત જીઆર અને નિર્દેશોનો અસરકારક અમલ કરાવવા, સરકારના બજેટમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સ માટે અલગ બજેટની ફાળવણી કરવા અને વિરમગામ તાલુકાના એપીપી-એજીપીને તાત્કાલિક ઓફિસ-રૂમોની ફાળવણી કરવા સહિતની દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષની દલીલો ધ્યાને લઇ હાઇકોર્ટે સરકાર સહિતના સત્તાવાળાઓને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં રાખી હતી.