(એજન્સી) નવી દિલ્હી,તા.૨૨
નરેન્દ્ર મોદી ઘણી બધી વાર દેશમાં ધર્મના નામે ગુંડાગર્દી ન કરવા અપીલ કરી ચૂક્યા છે. જ્યારે શુક્રવારે સુપ્રિમ કોર્ટ પણ ગૌરક્ષકોની ગુંડાગીરી પર રોક મૂકવા કહ્યું છે પરંતુ એન.ડી.એ.માં સામેલ પક્ષ શિવસેના આ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતુ નથી. ગુરૂવારે સાઈબર સિટીમાં અલગ અલગ સ્થળોએ શિવસેના કાર્યકર્તાઓએ આસ્થાના નામે ગુંડાગીરી કરતા માંસની દુકાનો અને હોટલ બંધ કરાવી દીધા હતા. ટોળામાં પહોંચેલ ૯૦ જેટલા કાર્યકર્તાઓએ સાથે સાથે આગામી નવ દિવસ સુધી દુકાન ન ખોલવા પણ ચેતાવણી આપી છે. નોંધનીય છે કે આ વર્ષે શિવસેના દ્વારા ગુડગાવમાં KFCના આઉટલેટ બંધ કરાવવામાં આવ્યા હતા.
જો કે શિવસેના પદાધિકારીઓએ કહ્યું કે દુકાનદારો પાસે આ સમય દરમિયાન દુકાન બંધ રાખવાનો માત્ર આગ્રહ કરવામાં આવ્યો હતો. જ્યારે દુકાનદારોએ કહ્યું કે ભીડ થઈ જાય તો દુકાન બંધ કરવી પડે છે. ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર કત્લખાના પર પ્રતિબંધથી પ્રેરિત થઈ આ પહેલા પણ ગુરૂગ્રામમાં શિવસેનાએ મીટ અને ચિકનની દુકાનો વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો. આ વર્ષે પણ તેમણે સદર બજારમાં જામા મસ્જિદની પાસે માંસ વેચતી તમામ દુકાનો અને હોટલ બંધ કરાવવામાં આવી હતી.
તાજેતરમાં શિવસેનાની ગુંડાગીરીનો ભોગ બનેલ દુકાનો બહાર ૨૮ સપ્ટેમ્બર સુધી દુકાન બંધ રાખવાના પોસ્ટ ચોંટાડવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ મસ્જિદ ચોક, એમ.જી.રોડ તેમજ અન્ય ક્ષેત્રોમાં દુકાનો બંધ કરાવી હતી. ઓલ્ડ ગુરૂગ્રામમાં જામા મસ્જિદ, બિસ્મિલ્લાહ મસ્જિદ, પાલમ વિહાર, ડૂડાહેડા સહિત અન્ય જગ્યાઓ પર ૫૦૦થી વધુ દુકાનો બંધ કરાવવામાં આવી હતી.