(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
વડાપ્રધાન મોદીએ રવિવારે ૩૫ મી વખત મન કી બાત દ્વારા દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કાર્યક્રમની શરૂઆતમાં ડેરા હિંસા પર નારાજગી જાહેર કરી અને સ્વચ્છતા જેવા મુદ્દાનો ઉલ્લેખ કર્યો. મોદીએ લોકોને અપીલ કરી અને કહ્યું કે લોકો દેશ સેવામાં આગળ આવે. મોદીએ પોતાના પ્રવચનની શરૂઆતમાં ડેરા હિંસા પર ખૂબ નારાજગી વ્યક્ત કરી અને દોષીઓને છોડવામાં નહીં આવે તેવું કહ્યું. તેમણે કહ્યું કે આ દેશ ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે ત્યાં હિંસાને બરદાસ્ત નહીં કરવામાં આવે. પંચકૂલા હિંસા પર મોદીએ કહ્યું કે આસ્થાને નામે થતી હિંસી જરા પણ બરદાસ્ત નહીં કરવામાં આવે. મોદીએ કહ્યું કે આ પ્રકારની હરકતોને ન તો દેશ કે ન તો કાનૂન સાંખી લેશે. કાનૂન દોષીઓને સજા કરશે. મોદીએ ગણેશોત્વસની સાથે બકરી ઈદની પણ શુભકામના પાઠવી હતી. તેમણે લોકોને અપીલ કરી કે ગાંધી જયંતીથી ૧૫ દિવસ સુધી સ્વચ્છતાનો ઝુંબેશ ચલાવવામાં આવે. સ્વચ્છતા જ સેવા છે. આ સેવાને એટલી હદે ફેલાવવામાં આવે ગાંધી જયંતી પર સમગ્ર દેશ ચમકતો દેખાય. તેમણે કહ્યું કે કોઈ પણ સ્વરૂપની હિંસા અસ્વીકૃત છે અને હિંસા માટે જવાબદાર તત્ત્વોને સરકાર છોડશે નહીં. કોઈની માન્યતાને નામે કાયદો હાથમાં લેવાનો કોઈને પણ અધિકાર નથી. હું મારા દેશવાસીઓને ખાતરી આપવા માંગું છું કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. દરેક વ્યક્તિએ કાયદાનું પાલન કરવાનું છે. કાયદો જવાબદારી નક્કી કરશે અને દોષીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. સ્વચ્છતા મિશનના ત્રણ વર્ષ પૂરા થવા પર મોદીએ કહ્યું કે શૌચાલયની ટકાવારી વધી છે. ગુજરાતના પૂરનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે બનાસકાંઠાએ સ્વચ્છતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. મોદીએ કહ્યું કે આ કાર્યક્રમની સાથે દેશના લાખો લોકો જોડાય છે. મને પત્રો લખે છે, મેસેજ મોકલે છે ફોન પર સંદેશ આપે છે હું તમારા સંદેશાની પ્રતિક્ષા કરી રહ્યો છું. કારણ કે તમારી વાતો દ્વારા શીખવા મળે છે અને તમારા આ યોગદાન બદલ હંુ તમારો આભાર માનું છું. તેમણે આગળ કહ્યું કે આપણે મહેનતકશ લોકો સાથે ભાવતાલ કરીએ છીએ જ્યારે ગરીબની ઈમાનદારી પર આશંકા વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ ૫ સપ્ટેમ્બરના રોજ ઉજવાઈ રહેલા શિક્ષક દિવસ પર બદલાવનો સંકલ્પ લેવાની અપીલ કરતાં તેમણે રાધાકૃષ્ણનના શિક્ષણની પ્રતિ તેમનું યોગદાન યાદ અપાવ્યું હતું. તેમણે કહ્યું કે ૨૮ ઓગસ્ટના રોજ જનધન યોજનાને ૩ વર્ષ પુરા થઈ રહ્યા છે. દુનિયામાં આ યોજનાની ચર્ચા છે. આ યોજના સાથે ૩૦ કરોડ લોકો જોડાયા છે.