ભાવનગર, તા.૨૫
એક માનસિક અસ્થિર મહિલાને લોકોએ છોકરા પકડવાવાળી સમજી ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બોરતળાવ પાસેના અક્ષર પાર્ક વિસ્તારમાં એક માનસિક અસ્થિર મહિલા ફરતી ફરતી આ વિસ્તારમાં જઇ ચડી હતી. દરમિયાન કોઇએ એવી અફવા ફેલાવી હતી કે આ મહિલા બાળકોને પકડીને લઇ જાય છે. બસ આવી જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને મહિલાને બરાબરનો મેથીપાક આપ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ ૧૦૮ તથા સ્થાનીક પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાને લોકોના ટોળામાંથી છોડાવી પોલીસ સ્ટેશને લઇ જવાઇ હતી. જ્યાં પોલીસની તપાસમા આ મહિલા માનસિક અસ્થિર હોવાનુ અને આ જ મહિલા છ એક મહિના પહેલા શહેરના વાલ્કેટ ગેટ વિસ્તારમાં પણ આ જ રીતે પકડાઈ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા પોતાનુ નામ ફરતુ ફરતુ બોલે છે. આજે તેણીએ નામ સાદીબેન હોવાનું જણાવ્યુ઼ હતું.
કોઇ પણ શંકાશીલ વ્યક્તિ લાગેતો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ પર પોલીસને જાણ કરવી જોઇએ. લોકોએ જાતે કાયદો હાથમા ન લેવો જોઇએ. ખોટી અફવાઓથી દુર રહેવુ જોઇએ અને હકીકતની ખરાઇ કરવી જોઇએ. અક્ષર પાર્કમાંથી ઝડપાયેલ મહિલા માનસિક અસ્થિર છે.