(એજન્સી) તા.૯
ભારતના બધા જ જિલ્લાઓમાં શરિયત કોર્ટ સ્થાપવાના ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રસ્તાવ વિશે ટિપ્પણી કરતાં ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, આવી કોર્ટ માટે ભારતમાં કોઈ સ્થાન નથી કારણ કે આ ‘‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈન્ડિયા’’ નથી. તેમણે કહ્યું હતું કે તમે ધાર્મિક બાબતો વિશે ચર્ચા કરી શકો છો. પરંતુ કોર્ટ આ દેશને જોડી રાખે છે. જિલ્લા અથવા શહેર અથવા ગ્રામ સ્તરે શરિયત કોર્ટ માટે કોઈ સ્થાન નથી. આ કોઈ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈન્ડિયા નથી. કેન્દ્રીય મંત્રી પી.પી.ચૌધરીએ કહ્યું હતું કે, જો શરિયત કોર્ટની રચના કરવામાં આવશે તો આવી કોર્ટનો ચુકાદો ભારતના બંધારણ વિરૂદ્ધ હોઈ શકે છે તેથી આ પ્રસ્તાવ અમલમાં મૂકી શકાય તેમ નથી. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ આ પ્રસ્તાવ નકારતા કહ્યું હતું કે, તે ભારતના બંધારણની વિરૂદ્ધ છે. કોંગ્રેસના નેતા રાજીવ શુકલાએ કહ્યું હતુંં કે, હું આ વિચાર સાથે સંમત નથી તે સંપૂર્ણપણે ભારતના બંધારણની વિરૂદ્ધ છે. આપણી પાસે એક સારું બંધારણ છે જ્યારે પણ કોઈ ધર્મ વિશે ચોક્કસ જોગવાઈની જરૂર ઊભી થાય છે ત્યારે સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટ તેનું પણ ધ્યાન રાખે છે. હું નથી વિચારતો કે બધા જિલ્લાઓમાં શરિયત કોર્ટ સ્થાપવાની જરૂર છે. જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.ત્યાગીએ પણ આ પ્રકારની કોર્ટ સ્થાપવાની જરૂરિયાત પર અસંમતિ દર્શાવી હતી.