(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૧
છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમન અંગેની તડામાર તૈયારીઓ વચ્ચેથી એકતરફ રાજ્યભરમાં ઉત્સુકતાનો માહોલ છે. ત્યારે બીજી તરફ ટ્રમ્પ અને મોદીની અમદાવાદ મુલાકાતને લઈ આતંકવાદી હુમલાનો ખતરો બતાવવામાં આવતા ભયનો માહોલ ઊભો થવાની ભીતિ છે. અમદાવાદના પોલીસ કમિશનરે આતંકી હુમલા-હુમલાની દહેશતને પગલે એલર્ટ આપી જાહેરનામું બહાર પાડી કડક નિર્દેશો જારી કર્યા છે. એટલું જ નહીં અમદાવાદ શહેરને ‘નો ડ્રોન ફલાયઝોન’ જાહેર કરી ડ્રોન તથા એરક્રાફટ વગેરે ઉડાવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવના છે. તેમના પર આતંકવાદી હુમલાનો ભય હોવાને લઈ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે. આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર HD CCTV કેમેરા લગાવવા ફરજિયાત હોવાની તેમાં જણાવાયું છે. આ ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. ભાડે મકાન રાખનાર અને આપનાર લોકોએ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નામ, સરનામા, પુરાવા સાથેની જાણ કરવાની રહેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મી ફેબ્રુઆરીએ એરપોર્ટથી રોડ શો કરી સીધા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જવાના છે. પહેલા તેઓ ગાંધીઆશ્રમ થઈ રોડ શો કરવાના હતા, પરંતુ હવે ગાંધીઆશ્રમની મુલાકાત રદ થતાં રોડ શો ક્યાંથી થશે તે મામલે અસમંજસ ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સુરક્ષાને લઈ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. પોલીસ સિવાયની એજન્સીમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં એસપીજી, નેશનલ સિક્યોરિટી ગાડ્‌ર્સ, રાજ્યની એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, આરએએફ બાકીની આતંરાષ્ટ્રીય એજન્સીઓ સંક્લનમાં છે. આ સાથે અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓ અને શહેર બહારથી ફાળવાયેલી પોલીસ અને એસઆરપીના જવાનો પણ મદદમાં રહેશે અને ચેતક કમાન્ડો પણ જોડાશે. આ ઉપરાંત સુરક્ષા બંદોબસ્તમાં મેટલ ડિટેક્ટર, એન્ટિ ટેરરિસ્ટ સંસાધનો, ડીફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એન્ટિ ડ્રોન ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં ૧,૧૦,૦૦૦ લોકોની કેપેસિટી છે, તેમાં રહેણાંક વિસ્તાર પણ છે તે તમામ વિષયને મદ્દે નજર રાખી પૂરતી સગવડો નાગરિકોને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ દરમિયાન ટ્રમ્પનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓએ કહ્યું કે, હું આવતા સપ્તાહે ભારત જઈ રહ્યો છું અને અમે વેપાર પર વાત કરીશું. અમારી પર છેલ્લા એક વર્ષોથી અસર પડી રહી છે. હું હકિકતમાં પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું પરંતુ અમારે થોડી બિઝનેસ પર વાત કરવાની જરૂર છે. દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે.