(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ(યુએપીએ)માં સંશોધન સાથે જોડાયેલો કાયદો આજેં લોકસભામાં પસાર થયો હતો. બિલ પર મતદાન પહેલા કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બિલના પક્ષમાં ૨૮૭ જ્યારે વિપક્ષમાંથી ફક્ત ૮ જ વોટ મળ્યા હતા.ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આજે સમયની માગ છે કે, આતંકવાદ વિરૂદ્ધ સખત કાયદો બનાવવામાં આવે. તેમણે કહ્યું કે, કાયદાના દિલમાં શહેરી નક્સલવાદ માટે કોઇ દયા નથી. આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ કોઇપણ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવાની જોગવાઇ તો એનઆઇએ એક્ટમાં પણ છે. પણ આતંકવાદી ઘટનાઓને અંજામ આપનારા અથવા તેનું ષડયંત્ર રચનારા લોકોને આતંકવાદી જાહેર કરવાનો અધિકાર એનઆઇએ પાસે ન હતો.ગૃહમંત્રીએ તેનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, એનઆઇએએ યાસીન ભટકલના સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. પણ તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યું નહીં. તેનો ફાયદો ઉઠાવતા તેણે ૧૨ આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યું હતું. શહેરી નકસલીઓને અંગે તેમણે જણાવ્યું કે, સામાજિક જીવનમાં દેશ માટે કામ કરનારા લોકો ઘણા છે પણ શહેરી માઓવાદ માટ જે કામ કરે છે તેમના માટે અમારા દિલમાં કોઇ સંવેદના નથી. શાહે વધુમાં જણાવ્યું કે, જો વ્યક્તિના મનમાં આતંકવાદ છે તો સંગઠનને પ્રતિબંધિત કરવાથી કાંઇ નહીં થાય. ત્યારે તે નવું સંગઠન બનાવી લેશે. તેથી વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરવાની જોગવાઇ લાવવી જરૂરી છે. તેમણે આ દરમિયાન અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર, ચીન અને પાકિસ્તાન જેવા દેશોનું પણ ઉદાહણ આપ્યું હતું. વિપક્ષ તરફથી ચર્ચા દરમિયાન તેનો વિરોધ કરવામાં આવ્યો અને અનેક પ્રકારના સવાલો પણ કરવામાં આવ્યા. ચર્ચાનો જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. લોકસભામાં ચર્ચા બાદ આ બિલ પર વોટિંગ બાદ પાસ કરી દેવામાં આવ્યુ હતુ. ચર્ચા દરમિયાન કોંગ્રેસે સંશોધન બિલ સ્ટેંડિંગ કમિટિ પાસે મોકલવાની માગ કરી અને ગૃહમાંથી વોકઆઉટ કરી લીધું. અમિત શાહે કહ્યું કે, સમયની માગ છે કે આતંકવાદ સામે કઠોર કાનૂન બનાવવામાં આવે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, કાનૂનના દિલમાં અર્બન નક્સલીઓ માટે કોઈ દયા નથી. લાંબી ચર્ચા બાદ લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું હતું. લોકસભામાં અમિત શાહે કહ્યું કે, આ કાનૂન ઈન્દિરા ગાંધી સરકાર લઈને આવી હતી, અમે તો બસ તેમાં નાનું એવું સંસોધન કરી રહ્યા છીએ. પણ વિપક્ષના જે નેતા તેનો વિરોધ કરી રહ્યા છે, તેમને યાદ રાખવું જોઈએ કે, તેઓએ આ બિલમાં જે સંસોધન કર્યું હતું તે પણ યોગ્ય હતું અને આજે અમે જે કરી રહ્યા છીએ એ પણ યોગ્ય જ છે. અર્બન નક્સલીઓ અંગે તેઓએ કહ્યું કે, સામાજિક જીવનમાં દેશ માટે કામ કરનાર અનેક લોકો છે, પણ અર્બન નક્સલી માટે જે કામ કરે છે તેમના માટે અમારા દિલમાં બિલ્કુલ પણ સંવેદના નથી. કાનૂનના દુરુપયોગના સવાલ પર શાહે કહ્યું કે, આ બિલમાં પ્રાવધાન છે કે, કોઈ વ્યક્તિને ક્યારે આતંકી ઘોષિત કરવામાં આવે. તેમણે કહ્યું કે, આતંકવાદ બંદૂકથી નહીં પણ પ્રચાર અને પ્રસારથી ઉત્પન્ન થાય છે. આવા લોકોને આતંકી ઘોષિત કરવામાં કોઈને આપત્તિ કેમ થઈ રહી છે. અમિત શાહે કહ્યું કે, વિપક્ષ બોલી રહ્યો છે કે સરકાર તેના મારફતે કોઈના પણ કોમ્પ્યુટરમાં ઘુસી જશે, જો આતંકવાદનું કામ કરશો તો પોલીસ તમારા કોમ્પ્યુટરમાં જરૂર ધૂસશે. અમિત શાહે કહ્યું કે, જો કે આ બિલમાં અમે અપીલ માટે વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. જે લોકો છ સરકારમાં અમારી વિરુદ્ધ તપાસ કરી રહ્યા હતા આજે તેઓ એનઆઈએમાં કાર્યરત છે, ત્યારે એ લોકો પર ભરોસો હતો તો આજે કેમ નથી.

દેશમાં ટોળાના હુમલાની એકસરખી પેટર્ન નથી રાજ્યસભામાં સરકારનો જવાબ

કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં મોબ લિન્ચિંગ મુદ્દે જવાબ આપતા જણાવ્યું હતું કે, દેશમાં વિવિધ પક્ષો દ્વારા ચાલતા વિવિધ રાજ્યોના શાસનમાં બનેલી મોબ લિન્ચિંગની ઘટનાઓની પેટર્ન એક જેવી નથી. ગૃહ બાબતોના રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડીએ પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપની સરકાર આ મુદ્દાના ઉકેલ માટે ગંભીર છે અને વડાપ્રધાને પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મારી પાસેનો ડેટા જણાવે છે કે, દેશના વિવિધ રાજ્યોના શાસનમાં જુદા-જુદા સમયમાં બનેલી વિવિધ મોબ લિન્ચિંગની ઘટનાઓની પેટર્ન એક જેવી નથી. આ ઘટનાઓ વિવિધ રાજકીય પાર્ટીઓના શાસનવાળા વિવિધ રાજ્યોમાં બની છે. આવી ઘટનાઓ ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં બની છે અને પહેલા પણ આવી ઘટનાઓ બની છે. આ પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં લઘુમતીઓ અને દલિતો વિરૂદ્ધ હિંસા તથા મોબ લિન્ચિંગની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. આ ઘટનાઓ ટેલિવિઝન પર દેખાડાતી નથી પણ ચોક્કસ રાજકીય પાર્ટીના સભ્યો દ્વારા લઘુમતીઓને સૂત્રોચ્ચાર કરવાની ફરજ પાડવામાં આવે છે અને માર મારવામાં આવે છે જેને વોટ્‌સએપ પર વાયરલ કરવામાં આવે છે અને આ અંગે સરકારે રાજ્ય સરકારોને કેટલી વખત નિર્દેશ આપ્યા છે. આરજેડીના નેતા મનોજ ઝાએ મુઝફ્ફરનગરના રમખાણના આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે સાક્ષીઓને સુરક્ષા આપવા માટે સરકાર શું કરી રહી છે ?