(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
સીબીઆઈએ પૂર્વ સાંસદ અતીક અહેમદના સંખ્યાબંધ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. અલ્હાબાદ સ્થિત ઘર અને કચેરીએ પણ છાપા માર્યા હતા. હાલમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. દેવરિયા જેલકાંડ બાદ કોર્ટે આદેશ આપ્યા પછી સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી. એક ટીવી ન્યૂઝના જણાવ્યા મુજબ અતીક અહેમદ પર દેવરિયા જેલમાં એક વ્યવસાયિકનું અપહરણ કરી ખંડણી માંગવાનો આરોપ છે. યુપી જેલોમાં રખાયા બાદ હવે સુપ્રીમના આદેશથી તેને ગુજરાતની જેલમાં ખસેડાયો છે. હાલમાં તે અમદાવાદની જેલમાં છે. સીબીઆઈએ અતીક અહેમદ અને તેના સાથી ઝફર ઉલ્લાહ સામે આરોપ પત્ર દાખલ કર્યું છે. અધિકારીઓએ બતાવ્યું કે, સીબીઆઈએ ર૦૧૮માં રિયલ એસ્ટેટ ડીલર મોહિત જયસવાલના અપહરણ અને હુમલાના આરોપસર યુપીના સપાના પૂર્વ સાંસદ સામે કેસ પહેલેથી જ દાખલ કર્યો છે. સીબીઆઈએ દાવો કર્યો કે એસ્ટેટ ડીલર જયસ્વાલને લખનૌથી અપહરણ કરી દેવરિયા જેલમાં લવાયો હતો. જ્યાં જેલમાં બંધ અતીક અહેમદ અને સહયોગીઓએ તેના પર હુમલો કર્યો. તેમજ તેના કારોબારને હસ્તાંતર કરાવી લીધો. અહેમદ ર૦૦૪થી ર૦૦૯ સુધી યુપીના ફુલપુર સંસદીય ક્ષેત્રમાંથી સપાના સાંસદ રહ્યા હતા.