(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
પૂર્વ સાંસદ અતિક અહેમદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ વારાણસીથી અપક્ષ ચૂંટણી લડશે. આ બાબતનું એલાન તેમની પત્ની સાઈસ્તા પરવીનને રવિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન કર્યું.
સાઈસ્તા પરવીને કહ્યું કે, વારાણસીમાં લઘુમતી સમુદાયના મોટા સમૂહને ધ્યાનમાં રાખીને તેમના પતિએ આ નિર્ણય કર્યો છે. બીજી તરફ વારાણસીમાં સપા-બસપા મહાગઠબંધન અને કોંગ્રેસ તરફથી માત્ર બનાવટી લડાઈ લડવામાં આવી રહી છે. એક રીતે તો તમામ દળોએ તેમને વોક ઓવર આપી દીધું છે. જો એવું નથી તો અન્ય દળ તેમના પતિને સમર્થન આપીને વડાપ્રધાન મોદીની વિરૂદ્ધ ચૂંટણીની લડાઈને મજબૂત કરે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો કોર્ટ ત્રણ સપ્તાહના પેરોલની અરજી અંગેનો નિર્ણય તેમના પક્ષમાં નહીં કરે, તો શું અતિક અહેમદ જેલમાંથી પણ ચૂંટણી લડશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, મને આશા છે કે, કોર્ટમાંથી તેમને પેરોલ મળશે. જો પેરોલ નહીં મળે તો ભવિષ્યની વ્યૂહરચના પાછળથી ઘડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શિવપાલસિંહ યાદવની પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)એ તેમની સમક્ષ વારાણસીથી ટિકિટ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ અતિક અહેમદ અપક્ષ ચૂંટણી જ લડશે.