(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.રર
ગુજરાત, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ સહિત ૭ રાજ્યોમાં એટીએમ કાર્ડ ક્લોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય યુપી પ્રતાપગઢની ગેંગના ૫ સાગરિતોને ભરૂચ જિલ્લા સાઇબર ક્રાઇમ અને એલસીબીએ એક્સયુવી કાર, રોકડા ૯૬,૧૮૦, ૧૯ બેંકના ૩૦ એટીએમ કાર્ડ સહિત રૂા.૭.૭૦ લાખના મુદ્દામાલસાથે પકડી પાડયા છે. પ્રાપ્ત થયેલ માહિતી આધારે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી સાયબર તથા એલસીબીની સયુંક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી ભરૂચથી દહેજ જતા હાઇવે ઉપર દહેગામ ત્રણ રસ્તા ખાતેથી ૫ શકદારોને મહીન્દ્રા લક્ઝયુર્સ ગાડી સાથે ઝડપી લીધા હતા. ક્રોસ ઇંટ્રોગેશન કરતા આરોપીઓએ કેફીયત જણાવેલ કે, “તેઓએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરત તથા હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઘણા બધા લોકોના એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી અલગ અલગ જગ્યાએથી રૂપિયા ઉપાડી ગુનાઓ આચરેલ હોવાની હકિકત અને હાલ સુરતના મિત્રની મહિન્દ્રા ગાડી લઇ દહેજ ખાતે એટીએમ કાર્ડ કલોનિંગ કરવા જતા હતા. દરમ્યાન પકડાઇ ગયેલ હોવાની કબૂલાત કરેલ છે. આરોપીઓની પૂછપરછ દરમ્યાન ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર તથા અંકલેશ્વર જીઆઇડીસી તથા ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ના એક-એક ગુનાઓ ડિટેક્ટ થયેલ છે. પૂછપરછમાં હજુ વધુ ગુનાઓનો પર્દાફાશ થવાની શક્યતાઓ છે . હજુ આ આરોપીઓના ફોટાઓ , નંબરો , અને એમ.ઓ.ની સમગ્ર ગુજરાત રાજયમાં જાણ કરવામાં આવનાર છે. ભરૂચમાં ૨૦૧૮ થી ટોળકી સક્રિય હતી.