અમદાવાદ,તા. ૧૮
શહેરના વિવિધ એટીએમમાં પૈસા નથી, મશીન બંધ છે વગેરે બહાનાં બતાવી, પૈસા ઉપાડવા આવતી વ્યક્તિનો વાતવાતમાં પીન નંબર જોઈ અને બાદમાં પૈસા ઉપાડી લઈ છેતરપિંડી આચરતી ગેંગના બે આરોપીઓને રાણીપ પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. સુભાષબ્રિજમાં આવેલા એસબીઆઇના એટીએમમાં આર્મીની ટોપી પહેરી એક યુવક આવતો હતો. ટોપી પરથી આ જ યુવક લોકો સાથે છેતરપિંડી કરતો હોવાની શંકા જાગતાં બેન્ક મેનેજરે તેને ઝડપી લીધો હતો. રાણીપ પોલીસે આ સમગ્ર મામલે બંને આરોપીઓ નાગજીભાઇ રબારી અને પ્રવીણ સલાટ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એટીએમમાં પૈસા ઉપાડવા આવતી વ્યક્તિને એટીએમમાં પૈસા નથી, મશીન બંધ છે વગેરે બહાનાં બતાવી તેનો પીન નંબર જોઈ અને વ્યક્તિના ગયા પછી પૈસા ઉપાડી છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ અંગે પોલીસ ફરિયાદો પણ નોંધાઇ છે. સુભાષબ્રિજમાં આવેલા એસબીઆઇના એટીએમમાં પણ અનેક લોકો આ રીતે છેતરપીંડીનો ભોગ બન્યા હતા. લોકોએ છેતરપિંડી થયા અંગે બેન્ક મેનેજરને ફરિયાદ કરી હતી. બેન્ક મેનેજરે આવી ફરિયાદને લઇ એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા પર વોચ ગોઠવવાનું શરૂ કર્યું હતું. દરમ્યાનમાં ગઈકાલે બપોરે એક વૃદ્વ વ્યક્તિ એટીએમમાં પૈસા ઉપાડવા ગઇ હતી. તે સમયે એટીએમમાં આર્મીની ટોપી પહેરેલો એક શખ્સ પહેલાથી જ હાજર હતો. તેણે વૃદ્ધ સાથે આ રીતે છેતરપીંડી કરવાનો પ્રયાસ કરતાં બેન્ક મેનેજર સહિત સ્ટાફ તાત્કાલિક એટીએમમાં દોડી ગયો હતો અને યુવકને ઝડપી લીધો હતો. પોલીસને જાણ કરાતાં રાણીપ પોલીસે યુવકની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેનું નામ નાગજીભાઈ રબારી (રહે. કલ્પતરુ સોસાયટી,અડાલજ) હોવાનું જાણવા મળ્યું હતું. તેની પૂછપરછના આધારે પોલીસે તેના બીજા સાથી પ્રવીણ સલાટની પણ ધરપકડ કરી હતી. રાણીપ પોલીસે જણાવ્યું હતું કે આ આ આખી ગેંગ છે. અગાઉ એટીએમમાંથી પૈસા ઉપાડવા અંગે લોકોની ફરિયાદ બેન્કને મળતાં તેઓએ સીસીટીવી પર વોચ રાખી હતી. અવારનવાર એક આર્મીની ટોપી પહેરેલો શખ્સ એટીએમમાં આવતો હતો અને તેની હિલચાલ શંકાસ્પદ લાગતી હતી. ગઈ કાલે એક વૃદ્વ સાથે છેતરપિંડી કરવા જતાં બેન્ક મેનેજરે તેને ઝડપી લીધો હતો. અનેક લોકો સાથે તેને આ રીતે છેતરપિંડી કરી હોવાની પૂરેપૂરી શક્યતા છે, તેથી આ સમગ્ર મામલે આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરાઇ છે.