અમદાવાદ,તા.૧૧
રાજકોટ પોલીસ બેડામાં ગતરાત્રે ઘટેલી એક ઘટનાએ રાજકોટમાં જ નહીં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. રાજકોટના નવા ૧પ૦ ફૂટ રિંગ રોડ પર કારના શો રૂમ પાછળ આવેલ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નં.ઈ.૪૦રમાં રહેતા મહિલા એએસઆઈ ખુશ્બૂ કાનાબાર અને ડીસ્ટાફના હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહે લમણે ટોળી ધરવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એક વાત એવી પણ સામે આવી છે કે બંનેએ એકબીજાને ગોળી મારી હોવાની પણ શક્યતા છે.
રાજકોટ પોલીસ બેડામાં કાન સરવા થઈ જાય તેવી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ૧૫૦ ફૂડ રીંગ રોડ પર કટારીયા શો રૂમની આગળ પંડિત દિનદયાલ નગર હાઉસિંગ બોર્ડ આવેલું છે. તેના ક્વાર્ટર નં. ઈ-૪૦૨માં મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર (ઉંમર ૨૮ વર્ષ) અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા (ઉંમર ૩૦ વર્ષ) રહેતા હતા. તેમણે ગઈકાલે મોડી રાત્રે લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હતી. બંને સાથે જ અહી રહેતા હતા અને બંનેએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જોકે, બંને પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, તેથી પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ છે. ખુશ્બુ કાનાબાર રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતી. તો રવિરાજ ડી સ્ટાફના કોન્સ્ટેબલ તરીકેની સેવામાં હતો. આ બનાવ બાદ રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. ડીસીપી રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સમગ્ર પ્રકરણમા પ્રેમપ્રકરણ કારણભુત હોવાની ચર્ચાએ તપાસ થઇ રહી છે. ઘટના બની એ કવાર્ટર મહિલા એએસઆઇ ખુશ્બૂબેન કાનાબારે ભાડેથી રાખ્યાનું કહેવાય છે. રવિરાજસિંહ એ. જી. સોસાયટી આસપાસ રહેતાં હતાં. પણ, બંને એકસાથે કેવી રીતે આવ્યા અને બંને વચ્ચે શું થયું હતું તે દિશામા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું કે, બંનેએ ગોળી મારી આપઘાત કર્યો હોવાની શંકા છે. બંનેએ સર્વિસ રિવોલ્વરથી જ આત્મહત્યા કરી છે. આ અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ. આ ઘટનામાં શરૂઆતમાં એવી વાત વહેતી થઈ હતી કે ખુશ્બૂ અને રવિએ સામસામે એકબીજાને ગોળી ધરવી દીધી હતી.