(સંવાદદાતા દ્વારા) પાલિતાણા,તા.ર
પાલિતાણા તાલુકાના પીપરડી-૧ ગામમાં બનેલી એક કરૂણ ઘટનામાં પતિ-પત્નીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા નાનકડા પીપરડી-૧ ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ દંપતીએ શા માટે મોતને વ્હાલું કર્યું તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.
પાલિતાણા તાલુકાના પીપરડી-૧ ગામે રહેતા શ્રમજીવી પરિવારના યુવાન હીરા ધસીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અજયભાઈ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૨૨)ના રંજનબેન (ઉ.વ.૨૦) સાથે ત્રણ મહિના પૂર્વેર્ લગ્ન માંડવડા ગામે થયા હતા. સવારે ૧૧ ક્લાકે અજયભાઈ અને રંજનબેન બન્ને પોતાના ઘરે હતા. અચાનક પોતાના રૂમના દરવાજા બંધ કરી ઘરના સ્લેબમાં પંખો ટીગાડવાના હૂકમાં દોરી બાંધી બન્ને જણાએ એકી સાથે ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂકાવ્યું છે. આ વાતની જાણ થતાં તેમના ઘરના લોકો તરત જ પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટરે મૃતક જાહેર કરીને પીએમ માટે ખસેડાયા હતા. આ વાતની જાણ થતાં પાલિતાણા રૂરલ પોલીસ દવાખાને પહોંચી ઘટનાની તપાસ કરીને આત્મહત્યાનો ગુનો નાેંધ્યો હતો.