(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
શહેરના દંતેશ્વરમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં હિન્દી માધ્યમની સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આજે સવારે સ્કૂલ રીશેષ દરમ્યાન પોતાના કલાસ પાસેના ટેરેસ ઉપરથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિની ટેરેસ ઉપરથી કૂદવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ભાભીના ભાઇના પ્રેમમાં પડેલી વિદ્યાર્થિનીને ભાઇ-ભાભીએ ઠપકો આપતા તેણે આ પગલું ભર્યું હોવાની વિગતો બહાર આવી છે.
શહેરના ડભોઇ રોડ પર પરિવાર સાથે રહેતી વિદ્યાર્થિની દંતેશ્વર ગામમાં આવેલી શ્રી સરસ્વતિ હિન્દી માધ્યમ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ધો.૯માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની આજે સ્કૂલની રીશેષ દરમ્યાન પોતાના રૂમની બાજુમાં આવેલ ટેરેસ ઉપરથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલ વિદ્યાર્થિનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરતી સહેલીઓએ જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થિની સવારથી ટેન્શનમાં હતી. ટેન્શનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મારા ભાભીના ભાઇ સાથે મારા પ્રેમ સંબંધ છે. આની જાણ થતા ભાઇ-ભાભીએ ઠપકો આપ્યો હતો. તેમણે સ્કૂલમાં આવીને માર મારવાની તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હું જાતે જ મરી જવાનું વધુ પસંદ કરૂં છું તેમ કહી તેણે ભૂસ્કો માર્યો હતો. આ બનાવની જાણ થતા વિદ્યાર્થિનીના પરિવારજનો પણ સ્કૂલે દોડી આવ્યા હતા. બનાવને પગલે વિદ્યાર્થીઓ અને સ્કૂલનો સ્ટાફ તરત દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શાળાના આચાર્ય રેખાબેને જણાવ્યું હતું કે, સવારે રીશેષ દરમ્યાન વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણે કયાં કારણોસર આ પગલું ભર્યું તેની અમને ખબર નથી.