(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
શહેરના આજવા રોડ ખાતે રહેતા વ્યકિતને પીવાનું પાણી ન મળતું હોઇ અને પોતાના નજીકના વિસ્તારમાં રાજકીય દબાણથી ત્રણ જગ્યાએ ભંગાણ કરી બિન કાયદેસરના જોડાણ આપવા મામલે ઇસમે કલેકટર કચેરીમાં આજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજવા રોડ નવી વસાહત લકુલેશ નં.૧ની સામે જયઅંબે મંદિર લાઇનમાં રહેતા મગન સોમાભાઇ વસાવાએ પોતાના વિસ્તારોમાં પીવાનું પાણી મળતું ન હોવાની ફરિયાદ કરી હતી. તેમજ નજીકના વિસ્તાર મણીનગર, ખટ્ટી આમલી હોટલની પાછળ નવી વસાહત પાણીની લાઇનમાં ત્રણ જગ્યાએ ભંગાણ કરી રાજકીય દબાણથી બીન કાયદેસર જોડાણ આપવામાં આવે છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ જોડાણ તા.૭ જુલાઇ સુધી બંધ નહી થાય તો તા.૯ના રોજ કોઇપણ સમયે કલેકટર કચેરી આવી આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. મગન વસાવાની આવી ચેતવણીના પગલે આજે કલેકટર કચેરી ખાતે પોલીસ અને ફાયર બ્રિગેડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.