(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૭
હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી શાખા નંબર ૧૮થી ૨૬ શાખા કેનાલમાંથી પાણી બંધ થયેલ છે શાખા નં.૧૮માં હળવદ તથા ઘનશ્યામગઢ અને અજીતગઢનો સમાવેશ થાય છે તેમજ શાખા નં.૨૨માં ધનાળા, પ્રતાપગઢ, સુરવદર, ધૂળકોટ, મયુરનગર અને ઘાંટીલાનો સમાવેશ થાય છે.
તેમજ શાખા નં.૨૩માં સુસવાવ, દેવળિયા, નવા દેવળિયા, સુરવદર, સહિતના ગામોનો સમાવેશ થાય છે હાલ આ વર્ષ ખરીફ સિઝનમાં બિલકુલ વરસાદ થયો નથી અને કોઈપણ પાકની ખેડૂતોને આવક થઇ નથી અને રવિ સિઝનમાં સરકાર નર્મદાના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને રવિ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં નર્મદા કેનાલના અધિકારીઓ શાખાના દરવાજા વારંવાર બંધ કરી દે છે અને ખેડૂતોને પાણી મળતું નથી રવિ સિઝનમાં પાણી આપેલ નથી જે શાખામાં પાણી ચાલે તે તા. ૦પથી બંધ કરી દીધું છે. જેથી ખેડૂતોને રવિ સિઝનમાં પાક નિષ્ફળ જશે અને ખેડૂતોના માલઢોરના મૃત્યુ થશે.
જેથી આ મામલે આજે ખેડૂતોએ મામલતદાર અને ડી.વાય.એસ.પી. તેમજ હળવદ પોલીસને આવેદન પાઠવ્યું હતું અને તાત્કાલિક નર્મદા કેનાલમાંથી પાણી નહીં મળે તો આ ગામના ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.