પાલનપુર, તા.૩
પાલનપુર શહેરમાં રહેતા અને દાંતા તાલુકાના મોટાસડા ગામમાં ફરજ બજાવતા શિક્ષક છેલ્લા ત્રણ માસથી ગુમ થયા છે. જેની પોલીસ ફરિયાદ નોંધાવવા છતા હજુ કોઇ ભાળ ન મળતા પરિવારના સભ્યો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુું હતું. જ્યાં આ પરિવારની પુત્રીએ આત્મવિલોપનની ચિમકી આપી હતી.
પાલનપુર શહેરના જૂના લક્ષ્મીપુરમાં રહેતા દિનેશભાઇ શંકરભાઇ પટેલ દાંતા તાલુકાના મોટાસડા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ ત્રણ માસ અગાઉ તા.૧૦-૧૦-૨૦૧૮ના રોજ શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતા પરીવારે ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી ગુમ થયેલા શિક્ષકની ભાળ મળી નથી. ત્યારે ચિંતાતુર પરિવાર આખરે ભાંગી પડ્યો હતો. દરમિયાન શિક્ષકના પરિવાર દ્વારા શહેરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી પરીવારના મોભીને શોધી કાઢવા રજૂઆત કરી હતી. શિક્ષકના પરિવારજનોએ પોલિસની નિષ્ક્રિયતા સામે પણ ઉભરો ઠાલવ્યો હતો. આ રેલીમાં જોડાયેલા ચિંતાગ્રસ્ત પરીવારના આંખોમાંથી આંસુ સરી પડતા ગમગીની છવાઇ ગઇ હતી. આ પરિવારની દીકરી પ્રાચી પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા છેલ્લે પાણિયારી આશ્રમ નજીક જોવા મળ્યા હતા. ત્યાંથી તેમનો કોઇ પત્તો નથી. પોલીસ દ્વારા નક્કર તપાસ કરવામાં આવતી નથી. હવે અમારી પાસે આત્મ વિલોપન કરવા સિવાય કોઇ છુટકો નથી.