અમરેલી, તા. ૩૦
લાઠી તાલુકાના ધુફણીયા ગામે રહેતા દલીત આધેડે પોતાની સાથણીની જમીન સરકાર પાસેથી પરત મેળવવા કાયદાકીય લડત ચલાવી રહ્યા છે અને ગામના ત્રણ શખ્સો તેમની વાવેતર કરેલ જમીન ઉપર ભેલાણ કરતા હોઈ અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવારણના આવતા દલિત આધેડે આજે લાઠી મામલતદાર કચેરી સામે ઝેરી દવા પી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા અમરેલી સારવારમાં ખસેડાયા હતા.આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધુફણીયા ગામે રહેતા ખીમજીભાઈ ભીમજીભાઈ ગોહિલ ઉવ-૫૧ જાતે દલિતને સરકારે ૧૯૬૪માં ગૌચરની પડતર જમીન સાથણીમાં આપી હતી અને તે પેટે સરકારમાં ૬ હપ્તા ભરવાના હતા પરંતુ ખીમજીભાઈ માત્ર ૨ હપ્તા ભરેલ અને બાકીના ૪ હપ્તા ન ભરતા સરકારે તે જમીન ૧૯૬૭માં પરત લઇ લીધી હતી જેથી તે માલિકી વગરની જમીન પરત મેળવવા ખીમજીભાઈએ આજદિન સુધી લાઠી મામલતદાર કચેરી તેમજ જમીન મહેસૂલ વિભાગમાં તેમજ અન્ય લગત કચેરીમાં જમીન મેળવવા લડત ચલાવી રહ્યા હોઈ અને આ જમીન ઉપર ખીમજીભાઈએ જ હાલમાં કબજો રાખેલ હોઈ અને તે જમીન ઉપર ધુફણીયા ગામના ૩ ખેડૂતો કાળુભાઇ ભીમજીભાઈ કાત્રોડિયા તેમજ ડુંગરભાઈ માધવભાઈ કાત્રોડિયા અને વેજલભાઈ નારણભાઇ કાત્રોડિયા નામના શખ્સો તેમની જમીનમાં ભેલાણ કરતા હોઈ તે અંગે અવાર નવાર દામનગર પોલીસમાં ફરિયાદ આપેલ પરંતુ તેમની ફરિયાદ ધ્યાને લેતા ના હોઈ જેથી આજરોજ તેકની માલિકી વગરની જમીન ઉપરથી કબજો ખાલી કરાવવા લાઠી મામલતદાર કચેરી સામે ઝેરી દવા પી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા તેની ઝેરી અસર થતા અમરેલી સારવારમાં ખસેડલ હતા જ્યાં દમનગર પોલીસમાં ઉક્ત ત્રણ શખ્સો સામે ફરિયાદ લખાવેલ છે પરંતુ હજુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાયેલ નથી આ બનાવથી સમગ્ર દલિત સમાજમાં રોષ જોવા મળેલ હતો.