(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના ખેડૂત પુત્રએ જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવા ફરિયાદો કરી હોવા છતાં તેનો સમયસર નિકાલ ન આવવાથી તેમણે કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી તે મુજબ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરત હડિયા આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહુવા તાલુકાના તલગાજરડા ગામના હડિયા નનુભાઈ સોડાભાઈએ જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવા માટે ર૦૧પથી સરપંચથી લઈ કલેકટર સુધી અને સરકારના સ્વાગત કાર્યક્રમોમાં અનેક અરજીઓ કરી હતી. તેમ છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા રાજ્ય સ્વાગતમાં છેલ્લી અરજી કરી હતી. તેમ છતાં યોગ્ય જવાબ ન મળતાં તેમણે મુખ્યમંત્રીને આત્મવિલોપનની અરજી કરી હતી. ત્યારે અમને ૩ દિવસમાં જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવા જણાવ્યું હતું. તે વખતે ભરત મંગળભાઈ હડિયાએ તેમની પાસે છ મહિનાના જામીન આપ્યા હતા. તેમ છતાં સત્તાનો દુરૂપયોગ કરી દબાણ દૂર કરાયું નથી.
નનુભાઈ હડિયાએ કલેકટરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે છેલ્લે જ્યારે ટીડીઓ તલાટી-કમ-મંત્રી જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવા આવતા કાયદાની વિરૂદ્ધ જઈ દબાણ દૂર કરવાને બદલે ટીડીઓને પૈસાની લેતી-દેતીને કારણે ગ્રાન્ટ પરત લીધી છે એવું ખોટું જણાવી દબાણ દૂર કરવામાં નહીં આવે તો નાછુટકે નનુભાઈ હડિયા કે જેઓ અરજદાર છે તેમના જામીન ભરતભાઈ મંગલભાઈ હડિયા તા.ર૬-૧૧-૧૮ને સોમવારે બપોરે ૧ર વાગ્યે ભાવનગર કલેકટર કચેરી સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તે સંદર્ભે આજરોજ ભરત હડિયા આત્મવિલોપનનો પ્રયાસ કરે એ પહેલાં જ પોલીસ અટકાયત કરી હતી.