(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
સુરત શહેરના ઈચ્છાપોર રોડ પર આવેલી કોર્પોરેશન બેંકના એટીએમને ગેસ કટરથી કાપી ૧૪ લાખની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અગાઉ ૧૦ દિવસ પહેલાં પણ ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ૧૫ લાખથી વધુની મત્તાની ચોરી થઇ હતી. પોલીસની નાકામ પેટ્રોલીંગના કારણે તસ્કરો રીતસર આતંક મચાવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઈચ્છાપોર રોડ પર કોર્પોરેશન બેંક આવેલી છે. અને બાજુમાં એટીએમ છે. આ એટીએમને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને ગેસ કટરથી કાપી ૧૪ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તસ્કરોએ એટીએમમાંથી ચોરી કરતા પહેલાં રેકી કરી હોવાનું અનુમાન છે. એટીએમના સીસીટીવીની તપાસ કરતા ગત રોજ બપોર આસપાસ આવેલા શંકાસ્પદ યુવક દ્વારા એટીએમના સીસીટીવી સાથે છેડછાડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રીના સમયે ચોરી કરવામાં આવી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જોકે, રાત્રી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે. આમ તસ્કરો એટીએમ મશીનમાંથી રૂા.૧૪ લાખની મત્તા ચોરી કરવામાં સફળ થયા હતા. જેથી ઇચ્છાપોર પોલીસ મથકની પેટ્રોલીંગ માત્રને માત્ર વાહન ચાલકો પાસેથી દંડ વસુલવા અને રાત્રિના સમયે ચાલુ રહેતી લારી અને દુકાનદારોને હેરાન કરવા પુરતી જ છે. ૧૦ દિવસમાં જ લાખો રૂપિયાની મત્તા ચોરી થવાનો આ બીજા બનાવ છે.