(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૩
પોરબંદરનાં દરિયામાંથી તા.૨૬ માર્ચે ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન હાથ ધરીને અંદાજે રૂા.૫૦૦ કરોડની કિંમતનું ૧૦૦ કિલો હેરોઇન ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ હેરોઇન કેસમાં એટીએસે વધુ તપાસ હાથ ધરીને એક અફઘાનિસ્તાનના શખ્સ સહિત બે લોકોને ઝડપી પાડયા છે.આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસો થયો છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ ભારતથી અન્ય દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતા હતા. ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના દરિયામાંથી રૂા.૫૦૦ કરોડના હેરોઇન ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસે અફઘાનિસ્તાનના વતની અને દિલ્હીમાં રહેતા નિયતખાન અહમદઝાઇ અને કેરળના કાસરગોડના વતની મોહમંદ અબ્દુલ સલામ કુન્નીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
ત્યારે ડ્રગ્સ ભરેલી બોટમાંથી એટીએસે પકડેલા નવ ઇરાનીઓની પુછપરછમાં બહાર આવ્યું હતું કે એક ભારતીય માછીમારી બોટ દ્વારા ભારતના કોઇ દરિયા કિનારે ડ્રગ્સનો જથ્થો ઉતારવાનો હતો.ત્યાંથી આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિક નિયતખાન આ ડ્રગ્સ ચેન્નાઇ અને મલમપુર પહોંચાડવા માટે કેરળના અબ્દુલ સલામ કુન્નીને મોકલવાનો હતો.ત્યાંથી તે તમિલનાડુ અને કેરાલાના વિવિધ બંદરો અને હવાઇમથકો મારફતે હેરોઇન ડ્રગ્સ ભારતની બહાર મોકલવાનું હતું. એટીએસે પકડેલા નિયતખાનની પુછપરછ કરતા તે ડિસેમ્બર ૨૦૧૮માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો અને દિલ્હીના લાજપતનગરમાં રહેતો હતો.તેને અફઘાનિસ્તાનથી નોર્કોટીકસ સિન્ડીકેટ દ્વારા ભારત મોકલવામાં આવ્યો હતો.જોકે આ તેની ભારતની ત્રીજી મુલાકાત હતી.અગાઉ પણ તે મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો અને હેરોઇનની દાણચોરીમાં સંડોવાયેલો હતો.આ હેરોઇનની દાણચોરી સિન્ડીકેટ અફઘાનિસ્તાનથી મેળવેલું અફીણ પાકિસ્તાનમાં હેરોઇન સ્વરૂપે રૂપાંતરિત કરતા હતા. ત્યારબાદ હેરોઇનની દાણચોરી કરી પાકિસ્તાનથી બહાર દરિયાઇ માર્ગ સહિતના જુદાજુદા માધ્યમો દ્વારા કરવામાં આવતી હતી.આરોપી નિયતખાન અને મોહમંદ સલામની પુછપરછમાં વધુ ખુલાસા થયા છે કે ગુજરાતના દરિયા કિનારે હેરોઇનના ઉતરાણ બાદ
તેને દિલ્હી ખાતે નિયતખાનને મોકલવાનું હતું. અફઘાનિસ્તાનના હાજી નાદર નામના ડ્રગ્સ માફિયાએ નિયતખાનને સલામનો સંપર્ક કરી ડ્રગ્સનો કબ્જો સોંપવા કહ્યું હતું.આ કામ બદલ નાદરે નિયતખાનને ૧૫૫૦૦ ડોલર અંદાજે રૂા.૧૫.૫૦ લાખ આપ્યા હતા.