(એજન્સી) મુંબઇ, તા. ૧૧
સતત દરોડા બાદ મહારાષ્ટ્ર એટીએસે નાલાસોપારામાં સતારામાંથી કટ્ટરવાદી હિંદુ સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. એટીએસે કહ્યું છે કે, ત્રણેય પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આમાં જીવતા કાચા બોમ્બ અને જિલેટીનનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર એટીએસની આ સફળતાને કારણે મહારાષ્ટ્રમાં ઘણા સ્થાને થનારા આતંકી હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. એટીએસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં ૪૦ વર્ષનો વૈભવ રાઉત જે કથિત રીતે હિંદુ ગૌવંશ રક્ષા સમિતિનો સભ્ય છે. તે કટ્ટરવાદી સંગઠન સનાતન સંસ્થા સાથે સહાનુભૂતિ રાખે છે. આ ઉપરાંત કથિત રીતે સનાતન સંસ્થા સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકી નરેન્દ્ર ડાભોલકર, ગોવિંદ પાનસરે અને એમએમ કલબૂર્ગીની હત્યા ઉપરાંત વિખ્યાત પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં પણ સામેલ હતા. તપાસ ટીમે કહ્યું છે કે, હવે અમારી તપાસ એ મુદ્દે કેન્દ્રીત છે કે, રાઉતને આટલા બધા વિસ્ફોટક ક્યાંથી મળ્યા અને વિસ્ફોટકો ક્યાં તથા કયા લક્ષ્યાંક માટે ઉપયોગમાં લેવાના હતા. એટીએસના એક અધિકારીએ કહ્યું છે કે, ૧૫મી ઓગસ્ટ અને બકરી ઇદ પહેલા આટલી મોટી સંખ્યામાં બોમ્બ મળી આવવા તે મોટી ચિંતાનો વિષય છે. સતારાથી પકડાયેલા અન્ય શખ્સની ઓળખ સુધાનવા ગોંડેલકર (૩૯)ના રૂપમાં થઇ છે. તે શ્રી શિવપ્રતિસ્થાન હિંદુસ્તાનનો પણ સભ્ય છે. આ સંગઠનનો પ્રમુખ સંભાજી ભિડે છે.ભિડે વિરૂદ્ધ પૂણે પોલીસે ૧લી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવમાં હિંસા ફેલાવવાના આરોપમાં બે અપરાધિક કેસ નોંધ્યા છે. ત્રીજા આરોપીની ઓળખ શરદ કલાસકર(૨૫)ના રૂપમાં થઇ છે. તેને રાઉત સાથે તેના નાલાસોપારાના નિવાસસ્થાનેથી પકડવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળથી જાણકારી અનુસાર એટીએસને કલાસકર પાસેથી બોમ્બ બનાવવાનું સાહિત્ય પણ મળી આવ્યું છે જ્યારે ગોંડેલકરને બોમ્બ બનાવતા આવડે છે. તેણે બો લોકોને વિસ્ફોટક બનાવવાની તાલીમ આપવા માટે એકત્રિત કર્યા હતા. ત્રણેયને આકરા ગેરકાયદે ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ અને ઇપીસીની કલમો ઉપરાંત વિસ્ફોટક એક્ટ અંતર્ગત પકડવામાં આવ્યા છે. એટીએસ અનુસાર તેમણે ૨૦ કાચા બોમ્બ અને ૨૦ જિલેટીન સ્ટીક્સ સહિત ૨૨ વિસ્ફોટક જપ્ત કર્યા છે. આ ઉપરાંત એક સાહિત્ય પણ મળી આવ્યું છે જેમાં બોમ્બ બનાવવાની ટેકનિકની વિગતો લખવામાં આવી છે. એક છ વોલ્ટની બેટરી, લૂઝ વાયર, ટ્રાન્ઝિસ્ટર અને ગોંદ પણ મળી આવી છે. સૂત્રો અનુસાર રાઉતના ઘરમાંથી જે બોમ્બ મળી આવ્યા છેતે ઉપયોગ માટે તૈયાર હતા. એક અધિકારી અનુસાર ‘‘તેઓ કાંઇક ભયાનક ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની પાસેથી મળી આવેલા બોમ્બ ઉપયોગ માટે તૈયાર રખાયા હતા. ૧૫ ઓગસ્ટ અને બકરી ઇદ પહેલા મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવવા તે ભારે ચિંતાનો વિષય છે. અમારી તપાસ હવે આટલી મોટી સંખ્યામાં બોમ્બ મળી આવવા પર કેન્દ્રીત છે. શું તે એક સંગલિત યોજના હતી કે પછી તેમને કોઇએ તાલીમ આપી છે ?’’