(એજન્સી) લખનૌ, તા.૩૧
ઉત્તર પ્રદેશના એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડના એએસપી રાજેશ સાહની જેમણે ઘણા આતંકી કેસોને સફળતાપૂર્વક પાર પાડ્યા જેમાં ૨૦૧૩ પટના ક્રૂડ બૉમ્બ વિસ્ફોટ પણ સામેલ છે. એમણે ખુદને પોતાની જ પિસ્તોલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ઉચ્ચાધિકારીઓ યુપી એટીએસના કાર્યાલય ખાતે દોડી આવ્યા છે અને આખા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલો મુજબ, પોલીસે જણાવ્યું કે, એએસપી રાજેશ સાહનીએ રાજધાની લખનૌના ગોમતીનગર ખાતેના એટીએસ મુખ્યમથક પર હતા. તેમણે પોતાના ડ્રાઈવર પાસે પોતાની સરકારી રિવોલ્વર મંગાવી હતી. તેના થોડા સમયગાળા બાદ સાહનીએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેમની કોઈ સુસાઈડ નોટ મળી નથી અને તેથી તેમના આવા પગલાં સંદર્ભે કોઈ જાણકારી ઉજાગર થઈ શકી નથી. આ પહેલા તેઓ તેમની દીકરીના હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાને કારણે ૧૨ દિવસની રજા ગાળીને આવ્યા હતા. રાજેશ સાહની ૧૯૯૨માં યુપી પોલીસ સેવામાં સામેલ થયા હતા. તેઓ ૨૦૧૩માં એએસપીના પદે પદોન્નતિ પામ્યા હતા. તેમની ગણના યુપી એટીએસના બાહોશ અધિકારીઓમાં થતી હતી. અપરાધીઓમાં પણ રાજેશ સાહનીનો ખોફ હતો. તેમણે ઘણા મોટા ઓપરેશન્સને સફળતાપૂર્વક પાર પાડયા હતા અને ઘણા ગુનેગારોની તેમણે ધરપકડ પણ કરી હતી.