અમદાવાદ, તા.૧
ગુજરાતમાં છેલા ૨૩ વર્ષથી શાસન કરનારા ભાજપ સરકાર મહિલા સુરક્ષામાં બેદરકારી અને અસંવેદના દાખવી રહી છે ત્યારે હિંમતનગર અને સુરતના નાની બાળકીઓ પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે. ગુજરાતની મહિલા-દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્ન સામે સરકારે આપેલ જવાબમાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૩૯૪ બળાત્કારની ઘટનાઓ બની છે એટલે કે ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ, બેહન, દીકરી અત્યાચાર અને બળાત્કારનો ભોગ બની રહી છે. આ છે ભાજપ સરકારની મહિલા સુરક્ષા-સલામતીના દાવાની અસલિયત ! છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પરના અત્યાચાર ખાસ કરીને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. સવાર પડે અને વર્તમાનપત્રો વાંચીએ અથવા તો ટીવી ચેનલમાં કાળજા કંપાવી દે તેવા મહિલા અત્યાચારના બનાવો બની રહ્યા છે છતાં સરકાર કુંભકર્ણની નિદ્રામાંથી જાગવાનું નામ લેતી નથી. ભાજપા સરકારનો ગૃહ વિભાગ રાજ્યની મહિલાઓ-બહેન દીકરીઓની સુરક્ષા આપવામાં સરીઆમ નિષ્ફળ નિવડ્યો છે. તત્કાલીન ભાજપ સરકારના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને ગુજરાતની બહેન-દીકરીઓને “એક પોસ્ટ કાર્ડ” લખવાનું કહ્યું હતું કે, આપનો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે “તમો એક દિવસ જાગો હું તમારા માટે પાંચ વર્ષ જાગીશ” હવે ખબર નહીં કે ગુજરાતની બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભાજપ સરકાર-ગૃહ વિભાગ ક્યારે જાગશે ? બહેન દીકરીઓને ક્યારે સુરક્ષા-ન્યાય મળશે ? કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક ધારાસભ્યનું એક પ્રતિનિધિ મંડળ હિંમતનગરમાં જે માસુમ બાળકી ભોગ બનીછે તેને ન્યાય મળે તે માટે પીડિતના પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી માસુમ દીકરી પર અત્યાચાર કરનાર આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી હતી.