કેન્દ્ર સરકારે NRC  અને સીએએનો કાળો કાયદો મંજૂર કરતા દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. સરકારની દાનત ખરાબ હતી પરંતુ  કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી જેવો ઘાટ સર્જાયો છે. આ કાયદાના વિરોધની આગ ધીમે ધીમે દેશભરમાં ફેલાઈ રહી છે. તેમાંય દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયાં અને અલીગઢ યુનિવર્સિટીમાં પોલીસે આચરેલી બર્બરતાના વિરોધમાં દેશ-વિદેશની યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે અને વધુને વધુ લોકો NRC અને CAAના વિરોધમાં અને જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી અહિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બુધવારે પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગાંધીઆશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમા આગળ બેસી શાંત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ માથામાં પટ્ટી બાંધી બેનરો હાથમાં લઈ “છાત્રો પર કરકે અત્યાચાર કૈસે ચલેગી યે સરકાર” તથા “લાઠી ગોળી નહીં, રોજગાર રોટી દો” “સંવિધાન બચાવો પ્રજાતંત્ર બચાવો” જેવા સૂત્રો દર્શાવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.