અમદાવાદ,તા.પ
ઔડાના ૬૮ ગામના ખેડૂતોની વિરુદ્ધમાં ઔડા દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાથી ખેડૂતોને અન્યાય અને નુકસાન થવાની શક્યતા અંગે ખેડૂત આગેવાનોએ શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરી. આ જાહેરનામું રદ કરવાની માગણી કરી હતી. જે અંગે મંત્રી સાથેની વાતચીતમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારે હવે ખેડૂતો માટે યુદ્ધ એ જ કલ્યાણ હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂત સમાજ (ગુજરાત) એક અખબારી યાદીમાં જણાવે છે કે ઔડામાં સમાવાયેલા ૬૮ ગામોના ખેડૂત પ્રતિનિધિ મંડળને નાયબ મુખ્ય મંત્રી અને શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલે વાટાઘાટ માટે આજરોજ, તા.પ-૯-૧૭ બપોરે સચિવાલય ખાતે ફોન કરીને બોલાવ્યા હતા. મંત્રીના આમંત્રણને માન આપી વિસ્તારના આગેવાનો મળવા ગયા હતા. આગેવાનોએ ઔડાનું જાહેરનામું રદ કરવાના કારણોમાં જાહેરનામાથી ગામડા અને ખેડૂતોને કેટલો અન્યાય થઈ રહ્યો છે, કેટલું નુકસાન થાય છે તેની રજૂઆત કરી જાહેરનામું રદ કરવાની માગણી કરી હતી. માગણીના ટેકામાં દલીલ કરતા આગેવાનોએ કહ્યું કે, સુડા, જુડા, રૂડા, મવઉડા વગેરે જાહેરનામાં રદ થઈ શકતા હોય તો ઔડાનું જાહેરનામું કેમ રદ ના થઈ શકે ? બીજા ખેડૂતો સાથે ન્યાય થતો હોય, એમની માગણી સ્વીકારાતી હોય તો આ ૬૮ ગામના ખેડૂતો સાથે અન્યાય શા માટે ? સરકાર અમારી સાથે કેમ ઓરમાયું વર્તન દાખવી રહી છે ? નાયબ મુખ્ય મંત્રીએ ખેડૂત આગેવાનો સાથેની વાતચીતમાં મુદ્દાની વાત કરવાને બદલે હાલમાં આંદોલન ચલાવી રહેલા આગેવાનો વિષે અઘટિત ટિપ્પણીઓ કરી હતી. આંદોલન રાજકીય ઈરાદાઓ પ્રેરિત હોવાનો સાવ પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો. મંત્રીનું નકારાત્મક વલણ જોતા સાફ દેખાય છે કે, હવે આ વિસ્તારના ખેડૂતો માટે લડી લેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, આ વિસ્તારની જનતા માટે સરકારે અકડુ વલણ દાખવીને એકમાત્ર, યુદ્ધ એ જ કલ્યાણનો રસ્તો છોડ્યો છે. જે કંઈ થાય તેની જવાબદારી સરકારની અને સરકારની જ રહેશે. એમ ખેડૂત સમાજ સંગઠનના મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું છે.