(એજન્સી) ઔરંગાબાદ, તા.૧
રમખાણગ્રસ્ત ઔરંગાબાદમાં ક્રાઈમ બ્રાંચે મોટાપાયે હથિયારોનો જથ્થો પકડી પાડ્યો હતો. જ્યાં ફ્લિપકાર્ટ ઓનલાઈન વેબસાઈટના ઈશારે રમખાણો થયા હોવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ મુજબ પોલીસે શહેરના મુકુન્દવાડી ખાતેથી અને નાગેશ્વરવાડીમાં કોમ્બિંગ કરી શસ્ત્રોના જથ્થા સાથે ૭ લોકોની ધરપકડ કરી હતી. જેમાં હરીપર કંપનીના એક મેનેજરનો પણ સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે ફ્લિપકાર્ટ કંપની દ્વારા શસ્ત્રો બુક થયા હતા અને પંજાબના અમૃતસરથી કુરીયરથી મોકલાયા હતા. જે એસ્કોર્ટ સર્વીસ પ્રા.લિ. મારફતે મોકલાવાયા હતા. ૩૦ જેટલા શસ્ત્રો જપ્ત કરાયા હતા. જેમાં ૧૬ તલવારો, ૧૬ છરીઓ, ચોપર, ગુપ્તી વિગેરે સામેલ છે. શસ્ત્રો ઓનલાઈન બુક થયા હતા. મે ૧૧-૧રના રોજ શહેરમાં કોમી હિંસા પછી શસ્ત્રો મંગાવાયા હતા. પોલીસ વડા બીપીન બિહારીએ કહ્યું કે અમે ફ્લિપકાર્ટ સામે કાનૂની કાર્યવાહી માટે તૈયારી કરી છે. આજે તેઓ છરીઓ ખરીદે છે. કાલે ડ્રગ-વિસ્ફોટક પણ હોઈ શકે. તેથી આ મુદ્દે જવાબદારી નક્કી કરવી પડશે. મેં માં કોમી હિંસામાં બે મુસ્લિમો પોલીસ ફાયરિંગમાં માર્યા ગયા હતા. જ્યારે ૬૦ને ઈજાઓ થઈ હતી. કોંગ્રેસના નેતા પાટીલે ફ્લિપકાર્ટ પર પ્રતિબંધની માગણી કરી છે.