(એજન્સી) શ્રીનગર, તા. ૩
ભારતીય સૈન્યમાં રાઇફલમેનના પદ પર તૈનાત જવાન ઔરંગઝેબનું જુનમાં અપહરણ કર્યા બાદ આતંકવાદીઓએ તેની હત્યા કરી દીધી હતી. જેનાથી દુઃખી અને ગુસ્સે ભરાઇને બદલો લેવા માટે તેના ૫૦ મિત્રો સઉદી અરબમાં લાખો રૂપિયાની નોકરી છોડીને કાશ્મીરમાં પરત ફરી રહ્યા છે. ઔરંગઝેબને આતંકવાદીઓએ ૧૪મી જુને ઇદની રજાઓ પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે અપહરણ કર્યું હતું. ૪૪ રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે જોડાયેલો ઔરંગઝેબ જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીનો જવાન હતો. ઔરંગઝેબના મિત્રો અને પરિવારના સભ્યો તેના મેંઢરના ઘરમાં તેની યાદમાં આયોજિત ખિરાજે અકીદતના કાર્યક્રમમાં એકઠા થયા હતા અને તમામે અશ્રુભીની આંખો સાથે તેને યાદ કર્યો હતો.
ઔરંગઝેબની હત્યા બાદ તેના પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે, સેના તથા કાશ્મીર રાજ્ય સરકાર રાજ્યમાં આતંકવાદનો ખાતમો કરે અને જવાનની શહીદીનો બદલો લે. જવાન ઔરંગઝેબના પરિવારની અપીલ સાંભળીને ગામના ૫૦ યુવકોએ સઉદી અરબની નોકરી છોડી દીધી છે અને પરત ગામમાં આવી ગયા છે. એહેવાલો અનુસાર તેઓ ઔરંગઝેબની હત્યાનો બદલો લેવા માટે પોલીસ અથવા સેનામાં સામેલ થવા માગે છે. ૫૦ મિત્રોમાંથી એક મોહમ્મદ કિરમાતે કહ્યું છે કે, ઔરંગઝેબની હત્યાનો બદલો લેવાનું જ તેમનું લક્ષ્યાંક છે. જે દિવસે અમને ઔરંગઝેબની હત્યાની માહિતી મળી તે જ દિવસે અમે નોકરી છોડી દીધી હતી. મારી સાથે ગામના ૫૦ યુવકો પરત ફર્યા છે. કિરમાતે કહ્યું ઔરંગઝેબનો ભાઇ આર્મીમાં છે અને તેના પિતા પણ સેનામાં ફરજ બજાવી ચુક્યા છે. ઔરંગઝેબના એક પરિવારજને કહ્યું કે, તે માત્ર પોતાની ફરજ બજાવી રહ્યો હતો, તેને કોઇનાથી ડર નહોતો અને એવી કોઇ શંકા પણ નહોતી કે, તેને નિશાન બનાવાશે. સેનામાં ફરજ બજાવતો ઔરંગઝેબનો ભાઇ તેની હત્યા માટે આતંકવાદીઓના હેન્ડલર્સનો દોષિત ગણાવે છે. ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબ જ્યારે રજા લઇને ગયો ત્યારે તેણે એક પ્રાઇવેટ કાર હાયર કરી હતી પણ આતંકવાદીઓને તેની જાણ થઇ ગઇ હતી. તેમણે તેનો પીછો કરતા શોપિયાં પાસેથી તેનું અપહરણ કર્યું હતું.