(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ઈતિહાસકારો એ દાવો કર્યો છે કે દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની વાતથી વિપરીત ઔરંગઝેબ સહિત અન્ય મુઘલ સમ્રાટોએ દિવાળી સહિત અન્ય હિન્દુ તહેવારોને ભરપૂર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઈતિહાસકારોએ જણાવ્યું કે એ વાતના પૂરતા પુરાવા છે કે દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરાની શરૂઆત મુઘલો દ્વારા કરવામાં આવી હતી.
ઈતિહાસના પ્રોફેસર હરબંસ મુખિયાએ કહ્યું કે “મુઘલોએ દિવાળીને પ્રોત્સાહન આપ્યું હતું. અકબરના સમયમાં દિવાળી એ રાજકીય તહેવાર હતો. દિવાળી માત્ર હિન્દુઓનો જ નહીં, સૌનો તહેવાર બની ગયો હતો”.
સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તેમજ મુઘલ અને અન્ય મુસ્લિમ શાસકો વિરૂદ્ધ ઊભા કરાયેલા પ્રોપેગન્ડા બાદ એક રાષ્ટ્રીય અખબારે પોતાના એક આર્ટિકલમાં દાવો કર્યો હતો કે અવધના નવાબ વઝિર અને બંગાળના નવાબ નિઝાબ દ્વારા દિવાળી અને દુર્ગા પૂજાને સંરક્ષણ આપવામાં આવ્યું હતું અને ૧૮મી તથા ૧૯મી સદીમાં આ તહેવારો દરમિયાન ભવ્ય આતશબાજી યોજવામાં આવતી હતી.
લંડનની કિંગ્સ કોલેજની પ્રાધ્યાપિકા ડો.કેથરિન બટલર સ્કોફિલ્ડ અનુસાર “૧૮મી સદીના અંતમાં દિવાળી સાથે ફટાકડાને જોડવામાં આવ્યા હતા. દિવાળી પર ફટાકડાના લખનૌ નવાબી ચિત્રો અને મુર્શીદાબાદ અને કલકત્તામાં દુર્ગાપૂજા દરમિયાન ફટાકડાના યુરોપિયન ચિત્રો ઉપલબ્ધ છે.
કેથરિન સ્કોફિલ્ડે જણાવ્યું કે મુઘલો અને સમકાલીન રાજપૂતો ફટાકડાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરતાં ખાસ કરીને વર્ષના અંધારિયા મહિનાઓ જેવા કે શિયાળો અને પાનખર મુઘલ શાસનના પુસ્તકોમાં લગ્ન પ્રસંગો, જન્મદિવસની ઉજવણીઓ રાજ્યાભિષેક અને ધાર્મિક પ્રસંગો જેવા કે ‘શબ એ બરાત’ દરમિયાન ફટાકડાના ઉપયોગ અંગે વિસ્તૃત ઉલ્લેખ છે.
ફઝલ દ્વારા લિખિત ઐન એ અકબરી (અકબરનું બંધારણ)માં દિવાળીને આપવામાં આવેલ મહત્ત્વ પરથી મુઘલોનું દિવાળી પ્રત્યેનું સકારાત્મક વલણ જાણી શકાય છે.
સમ્રાટ ઔરંગઝેબ દ્વારા દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધની વાતને ખોટી સાબિત કરતાં કેથરીને કહ્યું કે ઓરંગઝેબ દ્વારા ધાર્મિક કારણોસર ફટાકડા પર પ્રતિબંધ મૂકાયો હોય તે શક્ય નથી. ઈટાલિયન પ્રવાસી દ્વારા ૧૬૯૩માં દક્ષિણમાં ઔરંગઝેબની યુદ્ધ છાવણીમાં હોળીની ઉજવણી અંગે માહિતી અપાઈ છે, તો દિવાળી કેમ નહીં ?”
કેથરિને માહિતી આપી કે ૧૭મી સદીના અંતમાં ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નીશા દ્વારા ફટાકડા ફોડી શબ-એ-બરાતની ઉજવણીનું ચિત્ર પણ હાજર છે.