બ્રિસબેન,તા.૨૧
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે પાકિસ્તાનને ૨૪૦ રન પર ઓલઆઉટ કરીને પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પ્રથમ સત્રમાં પાકિસ્તાને વિના વિકેટે ૫૭ રન બનાવ્યા હતા. ત્યારબાદના સત્રમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સે પાકિસ્તાનની બેટિંગને વેરવિખેર કરી દીધી હતી. સ્ટાર્કે ૫૨ રન આપીને ચાર વિકેટ ઝડપી જ્યારે કમિન્સને ૩ અને હેઝલવુડને બે સફળતા મળી હતી.
એક સમયે પાકિસ્તાનનો સ્કોર વિના વિકેટે ૭૫ રન હતો જે ચાર વિકેટ પર ૭૮ અને ૫ વિકેટ પર ૯૪ રન થઈ ગયો હતો. પાકિસ્તાન માટે અસદ શફીકે ૭૬ રન બનાવ્યા. તેણે મોહમ્મદ રિઝવાનની સાથે ૪૯ રનની ભાગીદારી કરી જેણે ૩૭ રન બનાવ્યા હતા. આ સિવાય યાસિર શાહ (૨૬)ની સાથે ૮૪ રન જોડ્યા હતા. પ્રથમ સત્રમાં પાકિસ્તાની બેટ્‌સમેન અઝહર અલી (૨૮) અને શાહ મસૂદ (૨૧)એ વિના વિકેટે ૫૭ રન બનાવ્યા હતા.
ત્યારબાદ તેણે આક્રમક શોટ રમવાનું શરુ કર્યું પરંતુ ઓસ્ટ્રેલિયાના બોલરોએ પેતાની લય હાસિલ કરીને પાકને બેકફુટ પર લાવી દીધું હતું. પહેલા મસૂદને કમિન્સે ઓફ સ્ટમ્પ બહાર જતા બોલ પર બીજી સ્લિપમાં સ્મિથના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ અઝહરને હેઝલવુડે આઉટ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.