રાંચી,તા. ૭
ભારતના હાથે વનડે શ્રેણી ૪-૧થી ગુમાવી દીધા બાદ પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમને આજે વધુ એક મોટો ફટકો પડ્યો હતો. કારણ કે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને ટીમની બહાર થઈ જવાની ફરજ પડી છે. સ્મિથ ઘાયલ થઈ જતા તેને હવે સ્વદેશ પરત ફરવાની ફરજ પડી રહી છે. સ્મિથને ભારતની સામે નાગપુરમાં પાંચમી વનડે દરદમ્યાન ખભામાં ઈજા થઈ હતી જેના પરિણામ સ્વરૂપે ગુરુવારના દિવસે પ્રેક્ટિસ સેસન બાદ એમઆરઆઈ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગે સ્મિથ પ્રેક્ટિસમાં દેખાયો ન હતો. ટીમના તબિબના કહેવામાં મુજબ ભારતની સામે પાંચમી વનડે મેચ દરમ્યાન ફીલ્ડિગ કરતી વેળા ઈજા થઈ હતી. મેચ બાદ ખભામાં સોજા આવી ગયા હતા. સ્મિથના રિપોર્ટ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે તેને હવે આરામ કરવાની જરૂર છે. કોઈ જોખમ નહી લઈને સ્મિથને આરામ આપવાનો નિર્ણય કરાયો છે. ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા બાદ સ્મિથ વધુ સારવાર કરાવશે અને સેફિલ્ડ શીલ્ડ દરમ્યાન તે ફીટ થઈ જશે. સ્મિથની ગેરહાજરીમાં કેપ્ટન તરીકેની જવાબદારી ડેવિડ વોર્નરને સોંપી દેવામાં આવી છે. વોર્નર બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે. સ્મિથની જગ્યાએ ટીમમાં માર્કસ સ્ટોઈનિસની પસંદગી કરવામાં આવી છે. હાલમાં ભારત સામે પાંચ વનડે મેચોની શ્રેણીમાં સ્મિથ નિરાશાજનક દેખાવ કરી શક્યો હતો. સમગ્ર શ્રેણીમાં સ્મિથે માત્ર ૧૪૨ રન બનાવ્યા હતા.