રાંચી, તા.૬
વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવ્યા બાદ આત્મ વિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ક્રિકેટ ટીમ શનીવારથી શરૂ થઈ રહેલી ટ્‌વેન્ટી-ર૦ સિરીઝમાં પણ વિજયની લયને જાળવી રાખવાના ઈરાદા સાથે ઉતરશે. વિરાટ કોહલીની સેનાએ આ સત્રમાં પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ઓસ્ટ્રેલિયાને વન-ડે સિરીઝમાં ૪-૧થી હરાવી નંબર વનનું સિંહાસન કબજે કર્યું હતું. ટ્‌વેન્ટી-ર૦ રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતા ભારતનું લક્ષ્યાંક હવે શનિવારે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં વ્હાઈટવોશ કરીને પોતાની રેન્કિંગ સુધારવાનું હશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમનું લક્ષ્યાંક ભારત સામે ર૦૧૬ ટ્‌વેન્ટી-ર૦ વિશ્વકપમાં થયેલી હારનો હિસાબ ચુકતે કરવાનું હશે. કોહલીના નેતૃત્વમાં ભારતે છેલ્લી ર૩ ટ્‌વેન્ટી-ર૦ મેચોમાંથી ૧૭ મેચ જીતી છે. વન-ડે શ્રેણીમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હાર્દિક પંડ્યા ભારત માટે એક્સ ફેકટર સાબિત થઈ શકે છે. ધોની પાસે પોતાના શહેરમાં ખાસ ઈનિંગ રમવાની દર્શકોને આશા હશે.