પર્થ, તા.૧૮
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પર્થ ટેસ્ટ ૧૪૬ રને જીતી લીધી છે. ભારતીય ટીમ ૨૮૭ રનના ટાર્ગેટનો પીછો કરતાં પાંચમા દિવસે લંચ પહેલાં જ ૧૪૦ રને સમેટાઇ ગઇ હતી. આ જીત સાથે જ યજમાન ટીમે સીરીઝ ૧-૧થી સરભર કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. ભારતે એડિલેડ ખાતેની પ્રથમ ટેસ્ટ ૩૧ રને જીતી હતી. નાથાન લિયોનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોને ૩-૩ વિકેટ ઝડપી હતી. જ્યારે હેઝલવુડ અને કમિન્સે ૨-૨ વિકેટ ઝડપી હતી.
ભારતની બીજી ટેસ્ટ મેચમાં હારનું સૌથી મોટુ કારણ ટોપ ઓર્ડરનો ધબડકો હતો. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ થયા બાદ બીજી ટેસ્ટમાં પણ ભારતીય ઓપનર લોકેશ રાહુલ અને મુરલી વિજયને તક આપવામાં આવી હતી. જોકે, બન્ને ઇનિંગમાં આ પ્લેયર ફ્લોપ રહ્યા હતા. લોકેશ રાહુલે પ્રથમ ઇનિંગમાં ૨ જ્યારે બીજી ઇનિંગમાં ૦ રને આઉટ થયો હતો. જ્યારે મુરલી વિજય પ્રથમ ઇનિંગમાં ૦ જ્યારે બીજી ઇનિંગમાં ૨૦ રન બનાવી આઉટ થયો હતો. લોકેશ રાહુલ અને મુરલી વિજયના પ્રદર્શનને કારણે કેપ્ટન કોહલીની પણ ટીકા થઇ હતી.
પર્થની પીચ ઉછાળ ભરી હતી ટર્ન લેતી હતી. અને ભારતે એક સ્પિનરને રમાડવાની જરૂર હતી. જોકે, વિરાટ કોહલી ૪ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતર્યો હતો.