એડિલેડ,તા.૨
ઓસ્ટ્રેલિયાએ સોમવારે પાકિસ્તાનને એડિલેડ ખાતેની ડે-નાઈટ ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૪૮ રને હરાવીને ૨-૦થી સીરિઝ પોતાના નામે કરી હતી. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં સતત ૧૪મી ટેસ્ટ મેચ ગુમાવી હતી. તેઓ ૧૯૯૯થી ઓસ્ટ્રેલિયામાં બધી સીરિઝ હાર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૮૭ રનની લીડ મેળવતા ફોલોઓન કર્યું હતું અને પાકિસ્તાનના બેટ્‌સમેને બીજા દાવમાં પણ નિરાશ કર્યા હતા. તેમની બીજી ઇનિંગ્સ ૨૩૯ રનમાં સમાપ્ત થઇ હતી. નેથન લાયને ૫, જોશ હેઝલવુડે ૩ અને મિચેલ સ્ટાર્કે ૧ વિકેટ લીધી હતી.
મેચમાં અણનમ ૩૩૫ રનની ઇનિંગ્સ રમનાર ઓપનર ડેવિડ વોર્નર મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. તેણે સીરિઝની બે ઇનિંગ્સમાં ૪૮૯ રન કર્યા હતા. પાકિસ્તાન ઘરની બહાર સતત છઠ્ઠી ટેસ્ટ હાર્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૯માં ઘરઆંગણે ભારત સામેની મેચ ગુમાવ્યા પછી બાકીની ચારેય મેચમાં જીત મેળવી છે.