મેલબોર્ન,તા.૧૨
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી૨૦ ત્રિકોણીય સિરીઝની ફાઇનલ રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને તેની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાના ૩૭ બોલમાં ૬૬ રન પણ તેને જીત ન અપાવી શક્યા. આ મુકાબલામાં યજમાન ઓસ્ટ્રેલિયાએ તેને ૧૧ રને પરાજય આપ્યો હતો. કાંગારૂ ટીમે ભારતને જીત માટે ૧૫૬ રનનો લક્ષ્ય આપ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ૧૪૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે ભારતનો સ્કોર ૧૫મી ઓવરમાં ૩ વિકેટ પર ૧૧૫ રન હતો. ડાબા હાથના સ્પિનર જોનાસને ૪ ઓવરમાં ૧૨ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. તે મહિલા ટી૨૦ ક્રિકેટમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનારી ત્રીજી ઓસ્ટ્રેલિયન બોલર છે. મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લનિંગે કહ્યું, ’આ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન હતું. મંધાનાની વિકેટ નિર્ણાયક રહી જે શાનદાર ફોર્મમાં હતી.’
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરોમાં ૬ વિકેટ પર ૧૫૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારત માટે મંધાનાએ આક્રમક બેટિંગ કરતા પોતાની ઈનિંગમાં ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ૧૫મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી. ડીપ મિડવિકેટમાં નિકોલા કારેએ તેનો શાનદાર કેચ લીધો હતો. ત્યારબાદ ભારતની પકડમાંથી મેચ નિકળી ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર ૧૬મી ઓવરમાં આઉટ થતાં ભારતની બાકી રહેલી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. હરમનપ્રીતે કહ્યું, ’છેલ્લી ૩ ઓવરમાં અમે દબાવનો સામનો ન કરી શક્યા અને વિકેટ ગુમાવી દીધી.’ આ પહેલા ભારતની રાજેશ્વરી ગાયકવાડે અંતિમ ઓવરમાં ૧૯ રન આપી દીધા, જેથી ઓસ્ટ્રેલિયાએ મજબૂત સ્કોર બનાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહેલી ઓપનિંગ બેટ્સમેન બેથ મૂનીએ ૫૪ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી ૭૧ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ૧૯ ઓવરના અંતે ૫ વિકેટ પર ૧૩૬ રન હતા. અંતિમ ઓવરમાં મૂની અને રશેલ હેન્સે ૧૯ રન બનાવી ટીમનો સ્કોર ૧૫૦ને પાર પહોંચાડ્યો હતો. આ પહેલા દીપ્તિ શર્માએ પ્રથમ ઓવરમાં એલિસા હીલી (૪)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં ઝટકો આપ્યો હતો. મૂની અને એશલે ગાર્ડનર (૨૬)એ બીજી વિકેટ માટે ૫૨ રન જોડ્યા હતા. ત્યારબાદ લાનિંગે ત્રીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી કરી હતી. ભારત માટે પ્રથમ મેચ રમી રહેલા રુચા ઘોષે ૨૩ બોલમાં ૧૭ રનનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયા બન્યું ત્રિકોણીય ટી-૨૦ સિરીઝમાં ચેમ્પિયન, ભારતને ૧૧ રને હરાવ્યું

Recent Comments