(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૦
શહેરના મકરપુરા રોડ પર આવેલ સુશેન સર્કલ પાસે રીક્ષાચાલકને ટક્કર માર્યા બાદ ખાખી વર્દીનાં નશામાં ઉતરેલા કાર ચાલકે ઓટો રિક્ષાચાલકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતાં એસઆરપી જવાન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, માંજલપુર અલવાનાકા પાસે પવનદુત નગરમાં રહેતાં અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પ્રવિણ જવેરભાઇ પરમાર આજે સવારે પોતાની રીક્ષા લઇ સુશેન તરસાલી રોડ તરફ જઇ રહ્યા હતા. ત્યારે સુશેન સર્કલ પાસે તેઓ રીક્ષા લઇ ઉભા હતા. ત્યારે પાછળથી આવેલા કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. રીક્ષાને કેટલું નુકસાન થયું તે જોવા પ્રવિણ પાછળ ગયા હતા. ત્યારે કારમાંથી ખાખી વર્દીમાં ઉતરેલા યુવાને રીક્ષા ચાલકની માફી માંગવાની જગ્યાએ રીક્ષા ચાલકને લાફા મારવાના શરૂ કરી દીધા હતા. ખાખી વર્દી જવાન એસઆરપીનો જવાન હતો. મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.