અમદાવાદ,તા.૧૨
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક રિક્ષાચાલકે તેના મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇ કાલે મોડી રાતે રિક્ષાચાલક તેના મિત્રના ઘરે સૂવા માટે આવ્યો હતો તે સમયે તેણે આ કૃત્ય આચર્યું છે. રિક્ષાચાલકે જો તું મારી સાથે નહીં સૂવે તો હું મારા હાથની નસો કાપી નાખીશ તેમ કહીને બળાત્કાર ગુજાર્યો હતો.
વસ્ત્રાલમાં રહેતી રપ વર્ષીય મીના (નામ બદલેલ છે)એ તેના પતિના મિત્ર વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મીનાનો પતિ રિક્ષા ચલાવે છે. તેનો મિત્ર પ્રતીક વાણિયા મોડી રાતે તેમના ઘરે આવ્યો હતો. પ્રતીકે તેના મિત્રને કહ્યું હતું કે આજે ઘરે જવામાં મોડું થઇ ગયું છે. જો હું ઘરે જઇશ તો મારે મમ્મી-પપ્પા સાથે ઝઘડો થશે.
મીના અને તેના પતિએ પ્રતીકને તેમના ઘરે સૂઇ જવા માટે કહ્યું હતું. મોડી રાતે ત્રણેય જણાં સાથે બેસીને જમ્યાં હતાં અને ત્યારબાદ પ્રતીક રૂમમાં સૂવા માટે ગયો હતો. જ્યારે મીનાનો પતિ બહાર સૂવા માટે ગયો હતો. મીના રસોડામાં કામ કરી રહી હતી તે સમયે મોડી રાતે પ્રતીક ઊઠ્યો હતો અને તેને રસોડામાં બાથ ભરી લીધી હતી. હું તને પ્રેમ કરું છું, જો તું મારી સાથે નહીં સૂવે તો હું મારા હાથની નસો કાપી નાખીશ તેમ ધમકી આપીને પ્રતીકે મીના સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. મીના પર બળાત્કાર ગુજાર્યા બાદ પ્રતીક રૂમમાં જઇને સૂઇ ગયો હતો.
જ્યારે મીનાએ ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને તેના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી દીધી હતી. મીના અને તેના પતિએ અડોશપડોશમાં રહેતા લોકોને પણ ઉઠાડ્યા હતા અને સીધાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયાં હતાં. રામોલ પોલીસે મીનાની ફરિયાદના આધારે પ્રતીક વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે.