(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.૧૦
ભરૂચના રહીશ અમદાવાદ કાંકરિયા તળાવ પર ફરવા જતા રિક્ષામાં પાકિટ ભૂલી જતા રિક્ષાવાળાએ માલિકને શોધી પાકિટ પરત આપી માનવતા મહેકાવી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના વતની ઝહીર દિલાવર માસીર તેમની પત્ની અને પુત્રી સાથે અમદાવાદ તા.૯/૮/૧૭ના સાંજે રિક્ષામાં બેસી કાંકરિયા તળાવ ફરવા ગયા હતા. કાંકરિયાથી પરત રિક્ષામાં બેસી જમાલપુર-અમદાવાદ હવેલી પાસે તેમના સ્નેહીને ત્યાં ગયા હતા. તેમની પાસે એક પર્સ હતું. જેમાં રૂપિયા વીસ હજાર, મોબાઈલ, બેંકનો કાર્ડ, લાયસન્સ વગેરે હતું. અસમા બહેનને તેમના સ્નેહીને ત્યાં પહોંચીને યાદ આવ્યું કે, તેણી રિક્ષામાં પર્સ ભૂલી ગયા છે. પતિ ઝહિર તુરંત કાંકરિયા તળાવ ગયા બીજા રિક્ષાવાળાઓને પૂછપરછ કરી રિક્ષાવાળાની ઓળખ આપતા તેનું નામ અમજદ હોવાનું જાણવા મળતા તેનો નંબર બીજા રિક્ષાવાળાઓએ આપી ફોન કરતા અમજદે જણાવ્યું હતું કે, હું તુરંત તમે જ્યાં ઉતર્યા હતા ત્યાં આવ્યો હતો. પરંતુ તમારું રહેઠાણ ન મળતા પરત ફર્યો હતો. કાંકરિયા તળાવ આવી તેણે ઝહીરને પાકિટર પરત આપ્યું હતું અને બક્ષિસ લેવાની પણ ના પાડી ઈમાનદારી અને પ્રમાણિકતા સાથે માનવતા બજાવી હતી.