આપણે પાનખર ઋતુ વિશે ઘણું સાંભળ્યું અથવા વાંચ્યું હશે પરંતુ આ ઋતુમાં પાંદડાઓને રંગ બદલતા જોવાનો લ્હાવો દરેકના નસીબમાં નથી હોતો. ઘણી વખત કુદરત પોતાનું તેવું રૂપ દર્શાવે છે જેને જોઈને આપણને ભાસ થાય કે જાણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ કુદરતના કેનવાસ પર રંગોની પીંછી ફેરવીને માનવીને તેની પ્રશંસા કરવાની તક આપી હોય. ઘણી વખત આવા આહ્‌લાદક વાતાવરણને માણવા માટે જીવનની જંજાળને બાજુએ મૂકીને નીકળી જવું પડે. મનગમતું ગીત ગણગણતા ચાલી નીકળીને કુદરત સાથે સમય ગાળવાનો આનંદ જ અનેરો હોય છે. કેનેડાના તળાવના પાણીમાં ખરી પડેલા સોનેરી પાંદડાઓ ધરાવતા વૃક્ષોનું પ્રતિબિંબ પડી રહ્યું હતું. તે સમયની આ તસવીર છે. આ સોનેરી પાંદડાઓ અને સૂર્યપ્રકાશ જળાશયના પાણીને ઝળહળાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.