(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૧
પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા શહેર ગ્વાદરની એક ફાઇવ સ્ટાર હોટલમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ છે તેમના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ અહેવાલ મળ્યા હતા. આ શહેર ચીનના અબજો ડોલરના પ્રોજેક્ટનું કેન્દ્રબિંદુ છે તેમ સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું. હોટલના પ્રવેશદ્વાર પર આતંકવાદીઓએ સિક્યુરીટી ગાર્ડને ગોળી મારી હત્યા કરી છે. સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સલામતી દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મહેમાનોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. સલામતી દળો દ્વારા આતંકીઓને ઘેરીને ટોચના માળે લઇ જવાયા છે. મોડી રાત સુધી સૈન્ય અભિયાન ચાલુ હતું.
આ પહેલા સાંજે પ્રાંતના ગૃહ પ્રધાન ઝિયાઉલ્લાહ લાંગુએ કહ્યું હતું કે, હોટલ પર ગનમેને ગોળીબાર કર્યો હતો. એવા અહેવાલો છે કે, કેટલાક લોકોને ગોળીઓથી સામાન્ય ઇજાઓ થઇ છે. ફરજ પર હાજર અધિકારી મોહમ્મદ અસલમે કહ્યું કે, એમ્બ્યુલન્સો અને બચાવ અધિકારીઓ હોટલ તરફ જતા માર્ગ પર રાહ જોઇ રહ્યા છે અને હોટલમાંથી ગોળીઓના અવાજ સંભળાય છે પણ ઓપરેશન પુરૂં થવાને આરે છે. તેમણે વધુમાં કહ્યું કે, હોટલમાં કોઇ પાકિસ્તાની કે ચીનના મહેમાન નથી પરંતુ બિલ્ડિંગમાં ફક્ત સ્ટાફના સભ્યો છે. સામાન્ય રીતે એક નાનું માછીમારીના શહેર ગ્વાદરમાં પર્લ કોન્ટિનેન્ટલ એકમાત્ર વૈભવી હોટલ છે અને ત્યાં ખાસ કરીને વિદેશી તથા પાકિસ્તાની ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળ તથા રાજદ્વારીઓ રોકાય છે. ઉલ્લેખનીય છે કે ગ્વાદરમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર નામની મહત્વકાંક્ષી યોજના ચાલી રહી છે. આ યોજના અરબ સાગરમાં ચીનના શિનજિયાંગ અને પાકિસ્તાનના ગ્વાદરને જોડે છે. આ યોજનાથી પાકિસ્તાન ચીનમાં થઇ સીધા મધ્યપૂર્વના દેશોથી સંપર્ક સાધી શકશે જેમાં હાઇવે તથા પાણીના માર્ગનો પણ સમાવેશ થાય છે.