(એજન્સી) તા.૧
ગત અઠવાડિયે જ્યારે લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે લગભગ ચાર જેટલા મહિલા સાંસદોએ તેના પર અવાજ ઉઠાવ્યો હતો. તેમાં સુષ્મિતા દેવી, કોંગ્રેસ સાંસદ રણજીત રંજન, મિનાક્ષી લેખી અને ભાજપના સ્મૃતિ ઈરાની સામેલ હતા. પરંતુ એકમાત્ર મુસ્લિમ સાંસદ તબસ્સુમ બેગમ આ મામલે મૂકપ્રેક્ષક બની બેસી રહ્યા હતા. તેમણે આ મામલે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો. જો મુસ્લિમ પુરૂષ સાંસદોની વાત કરીએ તો મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લેમિન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલાનો જોરદાર રીતે વિરોધ કર્યો હતો. સોમવારે આ બિલ રાજ્યસભામાં રજૂ કરાયો હતો અને ત્યાં પણ લગભગ આવી જ સ્થિતિ જોવા મળી હતી. મુસ્લિમ મહિલાઓને લગતાં સળગતાં પ્રશ્ન પર મુસ્લિમ મહિલાઓ દ્વારા જ કોઈ વિરોધ કરવામાં ન આવતા આ એક શરમજનક સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હીના એક રાજકીય વિશ્લેષક નિસાર સિદ્દીકી કહે છે કે, તાજેતરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થયું હતું. તેમાં લગભગ ૭૭૯ જેટલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેમાંથી પણ ફક્ત એક જ મુસ્લિમ મહિલા ધારાસભ્ય ચૂંટાઈ હતી. તેમણે કહ્યું કે, આ એકમાત્ર મુસ્લિમ મહિલા ક્યાં સુધી રાજ્યસભામાં આવા અસંખ્યા મુદ્દાઓ સામે લડી શકશે. સિદ્દીકીએ કહ્યું કે, આ દેશમાં ભાજપ સત્તામાં છે. તેની પાસે ૧પ૧પ ધારાસભ્યો છે. તેમાંથી ચાર મુસ્લિમ છે. તેમાં કોઈ મુસ્લિમ મહિલા નથી પણ પુરૂષ છે. તમે જ વિચારો કે ભગવાધારી ભાજપ સરકાર મુસ્લિમ મહિલાઓના અધિકારોને લઈને કેટલી હદે ગંભીર હશે. જો કે આવી જ રીતે કોંગ્રેસ, બસપા, સપા તથા ડાબેરી પક્ષોની પણ વાત કરીએ તો આ પક્ષોમાં પણ મુસ્લિમ મહિલાઓનું નેતૃત્વ લગભગ લગભગ શૂન્ય જ છે અથવા એક મર્યાદિત ભૂમિકા છે. હાલમાં ભારતીય સંસદમાં ત્રણ તલાકનો મુદ્દો ગૂંજી રહ્યો છે.