(એજન્સી) તા.૨૯
મંગળવારે દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં અનેક શહેરોમાં માનવાધિકાર કાર્યકરોના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે આ મામલે પોલીસના દરોડાની આકરી ટીકા કરનાર ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન પ્રથમ રાજનેતા છે. તેમણે મોદી સરકારને આડે હાથ લેતાં કહ્યું હતું કે જેમ જેમ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની માનનીય ભાજપ સરકાર અસંતોષ અનુભવતા લોકો વિરુદ્ધ ગેરબંધારણીય દમનકારી નીતિઓ અપનાવી રહી છે અને તેમનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરી રહી છે. સોરેને આ ટિપ્પણી ટિ્‌વટર પર કરી હતી. તેમણે લખ્યું કે આ ખરેખર ટીકાને પાત્ર છે અને ભાજપનું સરમુખત્યારશાહી વલણ દર્શાવે છે. નોંધનીય છે કે મંગળવારે સવારે પૂણેની પોલીસે મુંબઈ, રાંચી, હૈદરાબાદ, દિલ્હી, ફરીદાબાદ, ગોવા અને અન્ય શહેરોમાં માનવાધિકાર કાર્યકરોના ઘરો પર દરોડા પાડ્યા હતા. જોકે મુંબઈમાં વરનોન ગોન્ઝાલ્વ, અરુણ ફેરારિયા તથા નવી દિલ્હીમાં ગૌતમ નવલખા, ફરીદાબાદમાં સુધા ભારદ્વાજ અને રાંચીમાં સ્ટેન સ્વામીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે હૈદરાબાદમાં વરવરા રાવ અને તેમના પરિવારના સભ્યો તેમજ બે અન્ય કાર્યકર ક્રાંતિ અને નસીમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી બાજુ ગોવામાં દલિત સ્કોલર આનંદના ઘરે પર દરોડા પાડવામાં આવયા હતા. જોકે દરોડા સમયે તે ઘરે હાજર ન હતા. આ દરમિયાન તેમના સુરક્ષાગાર્ડ પાસેથી ચાવી લઇને પોલીસે ઘરની તપાસ કરી હતી. તેમનામાંથી અનેક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે પોલીસે કહ્યું કે આ કાર્યવાહી ભીમા કોરેગાંવ હિંસા સંબંધિત કરવામાં આવી હતી.