(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૫
રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોના અવાજ દબાવી રહી છે તેવા આક્ષેપ સાથે ભૂજમાં તા.પ/૯ના રોજ ભૂજ તાલુકા કોંગ્રેસ દ્વારા ભૂજ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું અને ભાજપ સરકાર વિરૂદ્ધ નારા લગાવાયા હતા.
ભૂજ તાલુકા કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જે આક્ષેપો કર્યા છે તે મુજબ ભાજપ સરકારે કૃષિ મહોત્સવના નામે ખોટા તાયફા કરી પોતાની વાહવાહી કરી છે. જ્યારે હકીકતમાં ભાજપ સરકાર ખેડૂતોને દેવા માફીનો લાભ આપવા અને પાક વીમાના પૈસા પણ ચૂકવવા તૈયાર નથી. લોકસભા ચૂંટણી ટાણે પોષણક્ષમ ભાવે ખેતપેદાશની ખરીદી કરવાનો વાયાદો પણ હજી પુરો થયો નથી. ખેડૂતોને મગફળી, કપાસ અને તુવેરના પોષણક્ષમ ટેકાના ભાવ પણ મોદી સરકારે આપ્યા નથી. ખેડૂતોની જમીન સર્વેમાં ખાનગી પેઢીને કોન્ટ્રાકટ આપી મલાઈ ખાધી છે. પરંતુ હકીકતમાં જમીન સર્વે દરમ્યાન ખેડૂતોની જમીન ઘટી ગઈ છે.
બીજી તરફ આ આવેદનપત્રમાં મહત્ત્વનો અને ગંભીર આક્ષેપ મુકાયો છે કે ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે અને ખેડૂતો, યુવાનો, સંસ્થાઓની લડત કે ધરણા વગેરેને મંજૂરી જ આપતી નથી.