(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૬
પાટીદાર સમાજની યુવતીને આદિવાસી યુવક ભગાડી લઈ જતા કલેકટરને આવેદનપત્ર અપાયું છે.
મળતી વિગતો અનુસાર વાસણા (બો) ગામનાં પાટીદાર સમાજનાં દિપકભાઈ પુનમભાઈ પટેલની દિકરી ખુસ્બુબેન દાહોદની સિવિલ જનરલ હોસ્પિટલમાં જીઆરએન નર્સીંગનો અભ્યાસ કરતી હતી અને જનરલ હોસ્પિટલમાં નર્સ તરીકે પણ નોેકરી કરતી હતી. જે આજથી એક માસ પૂર્વે પોતાની મોટી બહેનનાં ઘરે આશી ગામે ગઈ હતી અને આશી ગામેથી તા.૨૮-૦૬-૨૦૧૮નાં રોજ વાસણા ગામે પરત આવવા માટે એસટી બસમાં નિકળી હતી પરંતુ ત્યારબાદ તેણી ઘરે પરત નહીં આવી કયાંક ગુમ થઈ જતા પરિવારજનોએ તેણીની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતા બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધી નહીં, જેથી પેટલાદ પોલીસ મથકે જાણ કરતા પેટલાદ ગ્રામ્ય પોલીસે તપાસ કરતા ખુસ્બુ દાહોદનાં જનરલ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે નોકરી કરતા સંજય મુનીયાનાં સંપર્કમાં હોવાનું જાણવા મળતા તેઓ પોલીસ સાથે દાહોદ તપાસ કરવા જતા સંજય મુનિયા છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં રજા મુકી નોકરી આવતો નહીં હોવાનું જાણવા મળેલ ,જેથી તેનાં ઘરે તપાસ કરતા સંજય મુનિયા પરિણિત હોવાનું તેમજ દોઢ માસથી ઘરે નહીં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી સંજય મુનિયા ખુસ્બુને ભગાડી લઈ ગયો હોઈ જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં ઢીલાસ અપનાવતા આજે ૨૪ ગામ પાટીદાર સમાજ તેમજ અન્ય પાટીદાર સમાજ દ્વારા ગણેશ ચોકડી પાસેથી રેલી કાઢી પોલીસની તપાસ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પાટીદાર સમાજની દિકરીને શોધીને તેનાં પરિવારને પરત સોંપવાની માંગ કરી હતી અને જો એક સપ્તાહમાં તેઓની દિકરીને પરત લાવીને સોંપવામાં નહીં આવે તો તેઓ એ પાટીદાર સમાજ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.