(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના કુલ મળીને ૧૩ ધારાસભ્યો સંપર્કમાં હોવાના ભાજપના દાવા બાદ રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે. કોંગ્રેસના નેતા શિવકુમારે ધારાસભ્યોની સોદાબાજી થવાનો આરોપ લગાવ્યો જ્યારે ભાજપના સૂત્રો દ્વારા કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ત્રણ ધારાસભ્ય તેમના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ ભાજપના ટોચના નેતા યેદીયુરપ્પાએ જેડીએસ પર આરોપ લગાવ્યો હતો કે, તે ભાજપના ધારાસભ્યો સાથે સોદાબજી કરી રહ્યા છે. તેમણે આરોપ મુક્યો હતો કે ભાજપના ધારાસભ્ય કલબુર્ગીને કુમારસ્વામીએ નાણા અને મંત્રીપદની લાલચ આપી છે. જ્યારે ભાજપના સૂત્રોએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ત્રણ ધારાસભ્યોના સંપર્કમાં છે અને તેઓ રાજીનામું આપી શકે ત્યારે આગામી અઠવાડિયામાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાવાની યોજના છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો સાથે સોદાબાજી થતી હોવાના ભયે યેદીયુરપ્પાએ કહ્યું કે, અમારા ધારાસભ્યોને ગુરગાંવ લઇ જવાની શક્યતા છે અને તેઓ થોડાક દિવસ ત્યાં જ રહી શકે છે.જો તેઓ અમારી વાત ન માને તો પણ ચિંતાની કોઇ બાબત નથી.
કોંગ્રેસના નેતા અને કર્ણાટકમાં જળ સંધાધન મંત્રી ડીકે શિવકુમારે ભાજપ સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો કહ્યું કે, ભાજપ કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર ઉથલાવી દેવાનો પ્રયાસ કરે છે અને આ માટે તે ઓપરેશન લોટસ મુજબ કામ કરે છે. શિવકુમારે કહ્યું કે, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે અને ધારાસભ્યોની સોદાબાજી ચાલી રહી છે. ત્યાં શું ચાલી રહ્યું છે અને કેટલા રૂપિયાની ઓફર કરવામાં આવી છે તેની અમને જાણ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮માં યેદીયુરપ્પાની આગેવાનીવાળી સરકારને સ્થિર બનાવવા માટે ભાજપ દ્વારા ઘણા વિપક્ષી ધારાસભ્યોને લાલચ આપવાને ‘ઓપરેશન લોટસ’ નામ આપવામાં આવ્યું હતું. ડીકે શિવકુમારે ભાજપ પર આરોપ મુકવાની સાથે મુખ્યમંત્રી કુમારસ્વામી પર પણ ભાજપ કૂણું વલણ દાખવવાનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું કે, અમારા મુખ્યમંત્રી ભાજપ પ્રત્યે ઉદાર છે અને તેમને આ કાવતરાની તમામ ધારાસભ્યોએ માહિતી આપી છે. તેમણે આ અંગે સિદ્ધરમૈયાને પણ જણાવ્યું છે.
ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પણ શિવકુમારના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું કે, આ તમામ અફવાઓમાં કોઇ તથ્ય નથી. આ કોંગ્રેસ-જેડીએસ વચ્ચેની લડાઇ છે અને ધારાસભ્યો અમારા સંપર્કમાં નથી.અમે ફક્ત સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ પહેલા શિવકુમારે કહ્યું કે, મુખ્યમંત્રી હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જો તેમના સ્થાને હું હોત તો ૨૪ કલાકમાં ખુલાસો કરી દીધો હોત. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભાજપનું કાવતરૂં સફળ નહીં થાય. કર્ણાટકમાં વિપક્ષી ભાજપને સંબોધતા તેમણે કહ્યું કે, તમે એવું કહેતા હતા કે મકરસંક્રાંતિ પછી રાજ્યમાં ક્રાંતિ આવશે તે ચાલો તે પણ જોઇ લઇશું. તેમની આ ચાલ સફળ નહીં થાય કારણ કે અહીં ભાગલા વિરોધી કાયદો અમલી છે પણ તમે તેના પર પણ નજર રાખો છે તેની પણ અમને જાણ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડુ રાવની ફરિયાદ અંગે આઇટી વિભાગ અને એસીબી પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે તેનું આશ્ચર્ય છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની ચૂંટણી પછી ઘણા કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના નેતાઓ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે.