(એજન્સી) કાબુલ, તા.૨
પૂર્વિય અફઘાનિસ્તાનના જલાલાબાદમાં થયેલ આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલ ૧૯ લોકોમાં આગામી અફઘાનિસ્તાન વિધાનસભા ચૂંટણીમાં એકમાત્ર શીખ ઉમેદવાર અવતારસિંઘનું મોત નિપજ્યું છે. રાષ્ટ્રપતિ અશરફ ધાનીએ હુમલો થયેલ શહેરની મુલાકાત લીધી હતી. મૃતક અવતારસિંઘ ખાલસાએ અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખ સમુદાય માટે અનામત એક માત્ર બેઠક પર ચૂંટણી લડવાનું આયોજન કર્યું હતું. હુમલો થયો એ સમયે ખાલસા કાફલો અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ધાનીને મળવા જઈ રહ્યા હતા. નાંગહર પોલીસ અધિકારી ગુલામ સેનાઈએ જણાવ્યું કે, પ્રતિનિધિમંડળ જલાલાબાદ ખાતે રાષ્ટ્રપતિ ધાનીની મુલાકાત કરી અને ત્રણ વાહનોમાં રાજ્યપાલના નિવાસસ્થાને જઈ રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો. રાજ્યપાલના પ્રવક્તાએ આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલ ર૦ લોકોમાં ૧૧ શીખ સમુદાયના હોવાની પુષ્ટિ કરી હતી. જેમાં અવતારસિંઘ ખાલસાનું મોત નિપજ્યું હતું.